કોરોના અને ધોમધખતા તાપની પણ અસર (કેતન ભટ્ટી) વાંકાનેર : વાંકાનેરમાં વધતા જતા કોરોના કેસ અને ધોમધખતા તાપની પણ અસરને લીધે મુખ્ય બજાર સહિતનાં માર્ગો પર ટ્રાફિક ઘટી ગયો હતો અને વેપારીઓને પણ ઘરાકી ઘટી હતી. વાંકાનેરમાં તાવ, શરદી, ઉધરસ અને કોરોનાનાં કેસની અસર હવે બજારોમાં પણ જોવા મળી રહી છે. શહેરની મુખ્ય બજાર કે જ્યાં દિવસ દરમ્યાન અનેકવાર ટ્રાફિક જામ થઈ જતો હતો. તેને સ્થાને શનિવારે સવારે પણ બજાર સહિતનાં માર્ગો ખાલીખમ જોવા મળ્યા હતાં. ગ્રામ્ય ઘરાકી પણ ઘટી ગઈ હતી. મોટા ભાગના વેપારીઓ ગ્રાહકની રાહમાં બેઠેલા જોવા મળ્યા હતાં. એકંદરે ધોમધખતા તાપને લીધે અને કોરોના મહામારીને ફેલાતી અટકાવવા શહેરનાં શાણા શહેરીજનો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જે યોગ્ય જ છે. ત્યારે તંત્ર દ્વારા પણ હાલની પરિસ્થિતિ જોતા બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. ત્યારે શહેરનાં ખાલીખમ માર્ગો જ દર્શાવે છે કે વાંકાનેરનાં સમજુ શહેરીજનો હવે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને કોરોનાને વધુ ફેલાતો અટકાવવા મક્કમ બન્યા છે.