સર્કિટ હાઉસ નજીક સ્પા ધરાવતા શખ્સ વિરુદ્ધ બી ડિવિઝનમાં ફરિયાદ મોરબી : મોરબીના સામાકાંઠે કડિયા બોર્ડિંગ નજીક જાહેરમાં રોડ ઉપર યુવતી સાથે ઝઘડો કરી રહેલા શખ્સને જાહેરમાં ઝઘડો નહિ કરવા ટપારનાર આધેડ ઉપર સ્પા સંચાલકે છરી વડે હુમલો કરતા વચ્ચે બચાવવા પડેલા પુત્રને છરીના ઘા ઝીકી જાનથી મારી નાખવા ધમકી આપવામાં આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સર્કિટ હાઉસ સામે હરીપાર્ક સોસાયટીમાં રહેતા દક્ષરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉ.15 નામનો સગીર તેમના પિતા ધર્મેન્દ્રસિંહ ઝાલા સાથે કડિયા બોર્ડિંગ નજીક ઇલેક્ટ્રિકની દુકાને રીપેરીંગમાં આપેલી મોટર લેવા ગયા હતા ત્યારે આરોપી અમિત દિલીપભાઈ સારલા નામનો સ્પા સંચાલક જાહેરમાં રોડ ઉપર કોઈ યુવતી સાથે ઝઘડો કરતો હોય દક્ષરાજસિંહના પિતાએ ઝઘડો નહિ કરવા સમજાવ્યો હતો. બીજી તરફ સર્કિટ હાઉસ નજીક સ્પા ધરાવતો આરોપી અમિત દિલીપભાઈ સારલા લાજવાને બદલે ગાજ્યો હતો અને યુવતી તેની પ્રેમિકા હોવાનું કહી મને જે મરજી આવે તે કરું કહી પોતાની પાસે રહેલી છરી વડે ધર્મેન્દ્રસિંહ ઉપર હુમલો કરતા સગીર દક્ષરજસિંહ વચ્ચે પડતા આરોપી અમિતે દક્ષરજસિંહને વાસા ના ભાગે છરીના ધા ઝીકી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.