પાણી આવશે ત્યારે બધાને ઘેર આવશે તેમ કહેતા જ પિતા પુત્ર ગુસ્સે ભરાયામોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલ ધર્મભક્તિ સોસાયટીમાં રામપ્રસાદ એપાર્ટમેન્ટમા ફ્લેટમાં પાણી મુદ્દે મળેલી મિટિંગમાં ફ્લેટમાં પાણી ન આવતું હોવાથી ફરિયાદ કરનાર પિતા પુત્રને આ જ એપાર્ટમેન્ટમાં રહેતા આધેડે પાણી આવશે ત્યારે બધાને ઘેર આવશે તેવો જવાબ આપતા ઉશ્કેરાઈ ગયેલા પિતા પુત્રએ આધેડેને માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના રવાપર ઘુનડા રોડ પર આવેલ ધર્મભક્તિ સોસાયટીમાં રામપ્રસાદ એપાર્ટમેન્ટમાં રહેતા અને ખેતીકામ કરતા રમેશભાઈ ત્રિકમભાઈ શેરસિયાએ આરોપી સંજય મોતીભાઈ રાજપરા અને આરોપી મોતીભાઈ રાજપરા વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીના ઘેર પાણી ન આવતું હોવાથી ફ્લેટના સભ્યોની મિટિંગ મળી હતી.મિટિંગ બાદ ફરિયાદી રમેશભાઈએ આરોપીઓને કહ્યું હતું કે, પાણી આવશે ત્યારે બધાના ઘેર આવશે.આ જવાબ સાંભળી ઉશ્કેરાઈ ગયેલા આરોપી પિતા પુત્રએ લાકડાના ધોકા અને ધારીયા વડે હુમલો કરી રમેશભાઈને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.