આજે સવારે ખુલ્લી ગટરની કુંડીમાં ગાડી ફસાયા બાદ મહામહેનતે બહાર નીકળી, હવે વરસાદમાં પાણીને કારણે ખાડો ન દેખાય તો વાહન ચાલકો અંદર પડી જવાની મોટી દહેશત મોરબી : મોરબીમાં આયોધાપુરી મેઈન રોડ પર આયુસ હોસ્પિટલ પાસે રોડની વચ્ચોવચ ભૂગર્ભની કુંડીનો મસમોટો ખુલ્લો ખાડામાં દરરોજ નાના મોટા વાહન ચાલકો ખાબકે છે. આ ગંભીર પરિસ્થિતિ હોવા છતાં તંત્રને અહીં ગટર ઉપર ઢાંકણું મુકવાનું સૂઝતું નથી. મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આયુષ હોસ્પિટલની પાસે આવેલ ભૂગર્ભ ગટરની કુંડી એકદમ ખુલ્લી છે. એટલે આ ગટરનો મસમોટો ખાડો રોડ ઉપર હોવાથી જોખમી બની રહ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ રોડ ઉપરથી વાહનો લઈને નીકળતા લોકો સ્પીડમાં જ નીકળતા હોય દૂરથી આ ભયાનક ખાડો દેખાતો ન હોય નજીક આવે ત્યારે દેખાઈ પણ વાહન ઉપર કન્ટ્રોલ કરવા જાય તો આજુબાજુના વાહનો સાથે અથડાવું પડે જે ઘાતક પુરવાર થઇ શકે, ઉપરાંત જો વાહનોની ગતિ કન્ટ્રોલ ન થઈ શકે તો તેઓ સીધા જ આ ખુલ્લા ગટરના મોતના કૂવામાં ખાબકે છે. આ ખુલ્લી ગટરમાં આ રીતે બાઈક ચાલકો, કાર ચાલકો જેવા નાના વાહનો આ કુંડીમાં પડી જાય છે. ખુલ્લી ગટરની આ મોટી કુંડીમાં તંત્ર મજબૂત ઢાંકણું મૂકી દે તો બધી જ સમસ્યાનો અંત આવી જાય એમ છે. પણ તંત્રને રજુઆત કરી કરીને થાકી ગયા હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. હમણાં તંત્રના માણસો ગટરની સફાઈ કરવા આવ્યા હતા એની સમક્ષ પણ આ રજુઆત કરી હતી. પણ દરેક રજુઆતની જેમ આ રજુઆત પણ બેઅસર રહી છે.જો કે આજે સવારે એક ગાડી અહીંયા ફસાઈ ગઈ હતી પણ મહામહેનતે બહાર નીકળી હતી. વાહનો ફસાવવાનો ક્રમ હવે કાયમી બન્યો છે. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ ચોમાસામાં મોટી ઉપાધિ આવી શકે એમ છે. સામાન્ય વરસાદમાં પણ અયોધ્યાપુરી રોડ ઉપર પાણી ભરાઈ છે. એટલે સ્વભાવિક છે કે પાણીને કારણે એ મોતનો કૂવો ઢંકાઈ જાય અને વાહન ચાલકો ન દેખાય તો એ પાણી ભરેલા મોતના કુવામા ખાબકી શકે એમ છે. જાનહાની થવાની પણ ભીતિ હોય તંત્ર વહેલાસર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.