વાહન ચાલકો જરાપણ ગફલતમાં રહે તો સીધી જ યમરાજના દ્વાર પહોંચી જાય તેવી સ્થિતિ મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર માળીયા ફાટકે બનેલો ઓવરબ્રીજ ટૂંકાગાળામાં જ ભારે ક્ષતિગ્રસ્ત થયો છે. આ ઓવરબ્રીજ ઉપર એટલી હદે જીવલેણ ગાબડા પડ્યા છે કે અહીંથી મર્યાદિત સ્પીડમાં પણ નીકળે તો વાહન ચાલકોના હાથ પગ ખોખરા કે યમરાજના દરબારમાં પહોંચી જાય તેવી કપરી હાલત છે. સૌથી વધુ ટેક્સ રળી આપતો આ નેશનલ હાઇવે હોવા છતાં વાહન ચાલકોની સલામતીના નામે મીડું છે. મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર માળીયા ફાટકે બહુ જ થોડા વર્ષો પહેલા ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે. ચાર માર્ગીયને જોડતા આ ઓવરબ્રીજ ઉપર અસામાન્ય વાહન ઘસારો રહે છે.જ્યારે બહુ જ ટૂંકાગાળામાં આ ઓવરબ્રીજ બની જતા તેના કામને લઈને શરૂઆતથી વિવાદમાં સપડાયેલો છે. ટૂંકાગાળામાં આ ઓવરબ્રીજ ક્ષતિગ્રસ્ત થતો રહેતો હોય અત્યારે એવી હાલત છે કે આ ઓવરબ્રીજમાં જ્યાં જુઓ ત્યાં મસમોટા ગાબડા દેખાઈ છે.જો કે અગાઉ ઓવરબ્રીજમાં પડેલા ગાબડામાં થિંગડા મારીને કામ રોળવ્યુ હતું.પણ આ થુંકના સાંધા જાજો સમય ઝીક ઝાલી શક્યા ન હતા. હાલ ચોમાસુ પૂરું થઈ ગયું હોવા છતાં ઓવરબ્રીજ ઉપર ઠેરઠેર પડેલા ખાડાઓ રીપેર કરવામાં તંત્રની આળસ અકબંધ રહી છે. તેમાંય ગાબડા એટલા બધા મોટા હોય થોડી સ્પીડમાં પણ નીકળે તો વાહન ચાલકોનું આવી જ બન્યું સમજો તેવી હાલત છે. 15 કિમીની સ્પીડમાં પણ નીકળી ન શકાય તે હદે ગાબડાઓએ તંત્રના પાપે 'વિકાસ' કર્યો છે. આ નેશનલ હાઇવે ઉપર સૌથી વધુ ટેક્સ વસુલવામાં આવે છે.પણ સુવિધાઓ દીવો લઈને શોધવા જવું પડે તેવી નોબત આવી છે. ઓવરબ્રીજ ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. ઠેરઠેર ટાયર આખા ડૂબી જાય તે હદે ખાડા પડયા હોવાથી રાત્રે બાઈક ચાલકો પડી જતા હોવાથી જીવનું મોટું જોખમ રહેલું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..