અગાઉના ઝઘડાનો ખાર રાખી બાઈક ઉપર આવેલા શખ્સો છરી લઈ તૂટી પડ્યા, એક ઇજાગ્રસ્ત ગંભીર મોરબી : મોરબી કલેકટર કચેરી નજીક પોસ્ટ ઓફીસ પાસે ગતરાત્રીના સાળા બનેવી ઉપર દસ શખ્સોએ અગાઉના ઝઘડાનો ખાર રાખી જીવલેણ હુમલો કરતા એક યુવાનની ગંભીર હાલત ગણાવાઇ રહી છે. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે બે અજાણ્યા શખ્સ સહિત કુલ દસ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો છે. મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાની કચેરી નજીક જ બનેલા આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી હાઇવે ઉપર કાંતિપુર મસ્જિદ નજીક રહેતા ફતેહમામદ દાઉદભાઈ કટિયા ગઈકાલે રાત્રીના સમયે પોતાના સસરાના ઘેર આવ્યા હતા ત્યારે સાળા જુસબભાઈ હબીબભાઈએ બહાર સાથે આવવાનું કહેતા તેઓ કલેકટર કચેરી નજીક આવેલ પોસ્ટ ઓફીસ પાસે બેઠા હતા તે સમયે આરોપી અસલમ હાજીભાઈ ખોડ, શાહરુખ હાજીભાઈ ખોડ, અલતાફ હાજીભાઈ ખોડ, રાહુલ કોળી, અનિસ સુમરા, સાહિલ ઉર્ફે બાડો જેડા, રિયાઝ જેડા, રમઝાન મોવર અને અજાણ્યા બે શખ્સ મોટર સાયકલ ઉપર ધસી આવ્યા હતા. બાદમાં સાળો બનેવી અને પોસ્ટ ઓફીસ પાસે બેઠેલા અન્ય લોકો કઈ સમજે વિચારે તે પહેલા જ છરી જેવા ઘાતક હથિયાર સાથે આવેલા આરોપીઓએ જુસબભાઈ ઉપર જીવલેણ હુમલો કરી છરીના આડેધડ ઘા ઝીકવાનું શરૂ કરી આજે તો જુસાને પતાવી જ દેવો છે તેવું જોરજોરથી બોલતા ફરિયાદી ફતેહમામદભાઈ પોતાના સાળાને છોડાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેમને પણ છરી ઝીકી દીધી હતી. વધુમા સરાજાહેર હુમલાખોરોને આંતક મચાવતા જોઈ લોકોના ટોળા એકઠા થઇ જતા હુમલાખોરો વાહન લઈને નાસી ગયા હતા. દરમિયાન આગાઉ જુસબભાઈને આરોપીઓ સાથે ઝઘડો થયો હોય ગઈકાલે રાત્રે આ હુમલો થયો હોવાનું જાહેર થયુ છે. બનાવ બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા જુસબભાઈને પ્રથમ સમર્પણ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે હાલમા સીટી બી ડિવિઝન પોલીસે ફતેહમામદભાઈની ફરિયાદને આધારે દસેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.