બાઇક અકસ્માતના ઈજાગ્રસ્તને સારવારમાં લઈ જતી કિયા કારને નડ્યો હતો અકસ્માત : પાંચેય મૃતકો રણછોડગઢ ગામના, ભારે શોકહળવદ : હળવદ તાલુકાના ચરાડવા અને આંદરણા ગામ વચ્ચે સર્જાયેલા એક ભયંકર માર્ગ અકસ્માતમાં રણછોડગઢ ગામના તાલુકા પંચાયતના સદસ્ય સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે,જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે મોરબી અને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર,હળવદના રણછોડગઢ ગામના દિલીપ ભગવાનભાઈ ડઢૈયાનો 24 વર્ષીય પુત્ર પરેશ હળવદથી પરત ફરતો હતો ત્યારે માનસર પાસે તેનું બાઇક સ્લિપ થતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં તેના પિતા દિલીપભાઈ તેમજ ગામના અન્ય 5 આગેવાનો કીયા કાર લઈને હળવદ હોસ્પીટ પહોંચ્યા હતા.ઘાયલ પરેશને કારમાં બેસાડીને તમામ 7 લોકો તેને વધુ સારવાર માટે મોરબી લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચરાડવા બહાર નીકળતા હાઈવે પર ડમ્પર પાછળ તેમની કાર ધડાકાભેર ઘૂસી જતાં આ ગોઝારી ઘટના ઘટી હતી.આ અકસ્માતમાં સુરેશ વિસાભાઈ સિહોરા (ઉંમર 45 વર્ષ),વિરમ ભીમાભાઈ ડઢૈયા (ઉંમર 28 વર્ષ),પરેશ દિલીપભાઈ ડઢૈયા (ઉંમર 24 વર્ષ),પ્રેમજીભાઈ શંકરભાઈ ડઢૈયા(તાલુકા પંચાયત સદસ્ય હળવદ) અને ભરતભાઈ પ્રેમજીભાઈ ડઢૈયાનું મોત થયું છે. જ્યારે પ્રકાશ અમીરભાઈ ડઢૈયા (ઉપસરપંચ, રણછોડગઢ ગ્રામ પંચાયત),દિલીપભાઈ ભગવાનભાઈ ડઢૈયાને ઇજાઓ પહોંચતા તેમને મોરબી અને રાજકોટ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાને પગલે ઠાકોર સમાજમાં શોકચરાડવા નજીક સર્જાયાલા ગમખ્વાર અકસ્માતની ઘટનાને પગલે ઠાકોર સમાજમાં ભારે શોકનું મોજું પ્રસરી ગયુ છે નાના એવા રણછોડગઢ ગામમાં એક સાથે સમાજના પાંચ પાંચ સભ્યોના અકસ્માતે મોત થતાં હળવદ સરકારી હોસ્પીટલ ખાતે સમાજના આગેવાનો અને લોકો દોડી આવ્યા હતાં.