કહેવાય છે કે મુનિવર મેઘાવી અને અપ્સરા મંજુઘોષા એ આ વ્રતનું પાલન કર્યું અને તેના પાપો નષ્ટ થઇ ગયામોરબી : હિંદુ ધર્મમાં મહિનામાં બે વખત એકાદશી વ્રત આવે છે, જે વ્યક્તિને તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. પાપમોચીની એકાદશીનું વ્રત ખુબ જ વિશેષ માનવામાં આવે છે. આ વ્રત આ વર્ષે આજે એટલે કે 5 એપ્રિલના દિવસે છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપની પૂજા કરવામાં આવે છે.આ સંસારમાં જન્મ લેનાર કોઈ પણ એવું વ્યક્તિ નથી કે જેનાથી જાણતા-અજાણતા પાપ ના થયું હોય. કહેવાય છે કે પાપમોચીની એકાદશીનું વ્રત પુરા વિધિવિધાનથી કરવાથી વ્યક્તિને અવશ્ય તેનું ફળ મળે છે. વ્યક્તિને પાપોથી મુક્તિ અપાવી મોક્ષની પ્રાપ્તિ કરાવતું આ પાપ મોચીની એકાદશીનું વ્રત લાભદાયી માનવામાં આવે છે. પાપમોચીનીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવ્યું છે. પાપમોચિનીની એકાદશીના વિષે ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યુ છે.પાપમોચની એકાદશી વ્રત કથાખૂબ સમય પહેલા માંધાતા નામનો એક પરાક્રમી રાજા હતો. રાજા માંઘાતાએ એકવાર લોમશ ઋષિને પૂછ્યુ કે મનુષ્ય જે જાણે-અજાણે પાપ કરે છે તેનાથી મુક્ત કેવી રીતે થઈ શકે છે?ત્યારે મહર્ષિ લોમશે કહ્યું હતું કે “નરેશોમાં શ્રેષ્ઠ રાજન ! પૂર્વકાળની વાત છે. અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં કે જયાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરો સાથે વાદ્યો વગાડીને વિહાર કરે છે, ત્યાં મંજુઘોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઇ. મહર્ષિ ચૈત્રરથવનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. મંજુઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કોશ દૂર રોકાઇ ગઇ. અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મુધર ગીતો ગાવા લાગી. મૂનિશ્રી મેઘાવી ફરતાં ફરતાં ત્યાં જઇ પહોચ્યા અને એ સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઇને અકારણ જ મોહને વશીભુત થઇ ગયા. મુનિની આવી અવસ્થા જોઇને મંજુઘોષા એમની પાસે આવી વીણા નીચે મુકીને એમને આલીંગન કરવા લાગી. મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યા. દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું આ રીતે ઘણા દિવસે પસાર થઇ ગયા સમય થતાં મંજુઘોષા દેવલોકમાં જવા લાગી. જતી વખતે એણે મુનિશ્રીને કહ્યું : બ્રાહ્મન્ ! મને હવે મારા લોકમાં જવાની રજા આપો.”મેઘાવી બોલ્યાઃ “દેવી ! જયાં સુધી સવારની સંધ્યા ન થાય તયાં સુધી મારી પાસે જ રહો.” અપ્સરાએ કહ્યું : “વિપ્રવર ! અત્યાર સુધી કોણ જાણે કેટલીયે સંધ્યાઓ જતી રહી! મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો.”લોમશજી કહે છેઃ “રાજન ! અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઇ ગયા ! એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્યો તો ખબર પડી કે મંજુઘોષા સાથે રહેતા અમને સત્તાવન વર્ષ થઇ ગયા અપ્સરાને પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિને એના પર ઘણો ક્રોધ આવ્યો. એમણે શ્રાપ આપતા કહ્યું. “પાપિણી ! તું પિશાચીની બની જા.” મુનિના શ્રાપથી વિચલીત થવા છતાં એ વિનયથી મસ્તક નમાવીને બોલીઃ “મુનિવર ! મારા શ્રાપનો ઉધ્ધાર કરો. સત્ય પુરુષો સાથે સાત વાકયો બોલવાથી અથવા સાત ડગલા ચાલવા માત્રથી જ એમની સાથે મિત્રતા થઇ જાય છે. બ્રહ્મન ! હું અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું, આથી સ્વામી ! મારા પર કૃપા કરો.”મુનિ બોલ્યાઃ “ભદ્રે ! શુ કરું ? તે મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે, છતાં પણ સાંભળ ! ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે “પાપમોચીની” છે. એ શ્રાપથી મુકત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે. સુંદરી ! એનું જ વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થશે.”આમ કહીને મુનિશ્રી મેઘાવી પોતાના પિતા મુનિવર ચ્યવનના આશ્રમ પર ગયા. એમને આવેલા જોઇને મુનિવર ચ્યવનજીએ પૂછયું. “પુત્ર ! આ શું કર્યું ? તેં તો તારા પૂણ્યનો નાશ કરી દીધો !” મેઘાવી બોલ્યાઃ “પિતાશ્રી ! મે અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે, હવે આપ જ એનું પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઇ જાય !” ચ્યવનજી બોલ્યાઃ “પુત્ર ! ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે પાપમોચિની એકાદશી આવે છે. એનું વ્રત કરવાથી તારા પાપોનો વિનાશ થઇ જશે.”પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ એનું વ્રત કર્યું. આથી, એમના પાપો નષ્ટ થઇ ગયા. આજ પ્રમાણે મંજુઘોષાએ પણ વ્રતનું પાલન કર્યું. પાપમોચિનીનું વ્રત કરવાથી એ પિશાશયોનીમાંથી મુકત થઇ અને દિવ્ય રુપધારીણી શ્રેષ્ઠ અણ્સરા બનીને સ્વર્ગલોકમાં જતી રહી.