હળવદ યાર્ડમાં જીરુંના સીઝનના રેકોર્ડ બ્રેક 6350 સુધીના ભાવ બોલાયાહળવદ : ઓણસાલ જીરુંના ભાવમાં સટોડિયાઓએ ખેલ પાડી દઈ ખેડૂતોનું જીરું બજારમાં આવતા જ મંદી સર્જી દેતા મહામહેનતે જીરું પકવતા ખેડૂતોને પ્રતિમાન જીરુંના 4000થી નીચા ભાવ મળ્યા હતા, જો કે, સટોડિયા વેપારીઓનો ખેલ પારખી ગયેલા ખેડૂતોએ જીરું નહીં વેચવામાં જ સમજદારી બતાવતા માર્કેટમાં જીરુંની અછત સર્જાતા ફરી એક વાર જીરુમાં તેજી આવી છે અને આજે હળવદ યાર્ડમાં જીરું પ્રતિમણના ભાવ 6350 જેટલા બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ઉઠી હતી.જીરાના ભાવમાં ઓણસાલ મંદીની સર્કિટ બાદ આજે હળવદ માર્કેટ યાર્ડમાં થયેલ વિવિધ જણસોની હરાજીમાં જીરાનો 5900 થી 6350 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો.આ સાથે જ આજે માર્કેટ યાર્ડમાં 15,884 મણ જીરાની આવક પણ નોંધાઈ છે. એકાદ સપ્તાહથી જીરાની બજારમાં સુધારો જોવા મળતા ખેડૂતોને હવે બચેલુ જે જીરું છે તેનો યોગ્ય ભાવ મળશે તેવી આશા પણ બંધાઈ છે. તો બીજી તરફ વેપારીઓના જણાવ્યા મુજબ, જીરાની બજારમાં આવતા દિવસોમાં 6100 થી 6500 સુધીની રહેશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.