ગ્રામ સેવકો પાસે અહેવાલ મંગાયો : ફાલ ખરી જાય તે નુકશાની ન કહી શકાય : ખેતીવાડી અધિકારી મોરબી : ચોમાસાની વિદાય ટાણેજ મોરબી જિલ્લામાં મેઘરાજાએ વરસાદના આખરી રાઉન્ડમાં એકથી બે ઈંચ જેટલો વરસાદ વરસાવતા કપાસનું વાવેતર કરનાર અનેક ખેડૂતોને પાકમાં નુકશાની થયાની ફરિયાદ ઉઠી છે. ખેડૂતોના મતે વરસાદને કારણે કપાસનો ફાલ ખરી ગયો હોવાની મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવું પડે તેમ છે અને વીઘે વીસ મણના ઉતારાની ધારણા સામે માંડ ચાર-પાંચ મણ કપાસ ઉતરશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.બીજી તરફ મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીએ વરસાદને કારણે કપાસના પાકને નુકશાની ન થઇ હોવાનું જણાવ્યું હતું તેમ છતાં તમામ ગ્રામસેવકો પાસેથી અહેવાલ મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું.મોરબી જિલ્લામાં ઓણસાલ ખરીફ સીઝનમાં 2 લાખ હેકટરથી વધુ જમીનમાં કપાસનું વાવેતર થયું છે. ખેડૂતોએ આગોતરા વાવેતરની સાથે જ સમયસર ચોમાસુ બેસી જતા ખેડૂતોનો કપાસનો પાક આ વર્ષે સારો છે, જો કે, ભાદરવા મહિનામાં વરસાદની કમી રહેતા ખેડૂતોને વરસાદ આધારિત રહેવાની બદલે પિયત આપવાનું શરૂ કર્યું હતું. જેમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા વરસાદને કપાસના પાકમાં નુકશાન આવ્યું હોવાનું હળવદ, માળીયા મિયાણા, ટંકારા અને મોરબી તાલુકા વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કપાસના પાકમાં વરસાદને કારણે ફાલ ખુબ જ ખરી ગયો છે જેથી કપાસના ઉતારા આવવામાં નુકશાન થશે. સાથે જ અનેક ખેડૂતોની મગફળી પાકી ગઈ હોવાથી ઉપાડેલ મગફળી ઉપર વરસાદ વરસતા પશુઓ માટેનો પાલો નાશ પામ્યો છે.કપાસનો સંપૂર્ણ પાક ફેઈલ ગયો છે : ધર્મેન્દ્ર એરવાડીયા હળવદ તાલુકાના ખેડૂત અગ્રણી ધર્મેન્દ્ર એરવાડીયા કહે છે કે, વરસાદને કારણે ખેડૂતોનો કપાસનો પાક સંપૂર્ણ પણે ફેઈલ ગયો છે. આ મામલે તેઓએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી હોવાનું તેમજ હળવદ-ધ્રાંગધ્રા મતવિસ્તારના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પણ સરકારમાં રજુઆત કરી હોવાનું તેમને જણાવ્યું હતું. ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, તેમના ટીકર ગામમાં 70 વીઘામાં કપાસનું વાવેતર કરનાર વિશાલભાઈ નારણભાઇ એરવાડીયાને વરસાદ પહેલા વીઘે 20 મણનો ઉતારો આવે તેવી ધારણા હતી પરંતુ હાલમાં ફાલ ખરી જતા હવે માંડ ચારથી પાંચ મણનો ઉતારો આવે તેમ હોવાનું અને વાવેતરનો ખર્ચ પણ માથે પડે તેમ હોવાનું જણાવ્યું હતું.50 ટકા કપાસ પહેલા બગડયો અને બાકીનો વરસાદમાં સ્વાહા : ખેડૂત ગૌતમભાઈ મોરબીના ગોરખીજડીયા ગામના ખેડૂત ગૌતમભાઈ મોરડીયા જણાવે છે કે, ઓણસાલ ચોમાસામાં છેલ્લે વરસાદની ખેંચ રહી જતા કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને અગાઉથી જ 50 ટકા ઉતારા ઓછા આવે તેમ હતા જેમાં હાલમાં છેલ્લા બે દિવસથી પડેલા વરસાદને કારણે મોટા પ્રમાણમાં કપાસનો ફાલ ખરી પડતા ખેડૂતોને ભારે આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો હોવાનું તેમને જણાવ્યું હતું.કપાસનો ફાલ ખરી પડે એ નુકસાન ન કહેવાય : ખેતીવાડી અધિકારી મોરબી શહેર-જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે કપાસ, મગફળી સહિતના પાકોને નુકસાન થયું હોવાની ખેડૂતોમાં ફરિયાદ ઉઠી છે ત્યારે મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી એચ. ડી. ઝીંઝુવાડિયાએ જણાવ્યું હતું કે, વરસાદ શાંત રીતે વરસ્યો હોય કપાસના પાકને નુકસાન પહોંચવાનું શક્યતા નહિવત છે. સાથે જ તડકો, ભેજ અને વરસાદને કારણે કપાસના ફૂલ ખરે તે સામાન્ય પ્રક્રિયા હોવાનું અને સરકારની પાક નુકસાનની વ્યાખ્યામાં ફાલ ખરી જાય તેવી બાબત નુક્સાનીના દાયરામાં ન આવતું હોવાનું તેમને જણાવ્યું હતું. જો કે, ગ્રામ્યકક્ષાએ ખેડૂતોને કેવું અને કેટલું નુકસાન છે તે જાણવા માટે તમામ ગ્રામસેવકો પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યા હોવાનું તેમને જણાવ્યું હતું.