સફાઈના અભાવ અને આડેધડ પાણી છોડવાથી દસેક જેટલા ખેતરોમાં પાણી ઘુસ્યા : અધિકારીઓ ફોન ઉપાડવાની પણ તસ્દી ન લેતા હોવાની રાવમોરબી : મોરબીના સાપર ગામે પેટા કેનાલના પાણી ખેતરોમાં ઘુસી જતા ખેડૂતોને નુકસાની થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. સફાઈના અભાવે આ પાણી ઘૂસવાની સમસ્યા દર વર્ષે થાય છે. આ મામલે ફરિયાદ કરવા માટે અધિકારીઓને ફોન કરીએ છીએ પણ કોઈ ફોન ઉપાડવાની પણ તસ્દી ન લેતા હોવાની ખેડૂતો રાવ કરી રહ્યા છે. ખેડૂત અજયસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર સાપર ગામે પ્રસાદ મિનરલ્સની પાછળ પેટા કેનાલ નીકળે છે. આ કેનાલની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવતી નથી. ઉપરાંત કારખાનાઓમાંથી વેસ્ટ પણ આ કેનાલમાં ઠલવાય છે. પરિણામે કેનાલનું પાણી અહીંના દસેક જેટલા ખેતરોમાં ઘૂસે છે. આ સમસ્યા દર શિયાળામાં અને ચોમાસામાં સર્જાઈ છે. ગત ચોમાસામાં નુકસાની થઈ હતી. તેવામાં શિયાળામાં પણ નુક્સાનીની ભીતિ સેવાઈ રહી છે.વધુમાં તેઓએ જણાવ્યુ કે મેઈન કેનાલના ગેટમાં તાળા નથી. અમુક લોકો મન પડે ત્યારે જાતે જઈ બેય ગેટ ખોલી આવે છે. ઘણી વખત મેઈન કેનાલ પણ છલકાઈ જાય છે. આ મામલે કેનાલ વિભાગના અધિકારીને ફરિયાદ કરવા તેઓને ફોન કરીએ છીએ પણ તેઓ કોઈ ફોન પણ ઉપાડતા નથી.