4 ગણું વળતર, માસિક ભાડાનો વિકલ્પ અને ફરજીયાત અકસ્માત વીમો તેમજ મેડીકલેમ આપવા સહિતની માંગ મોરબી: વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાંથી પસાર કરવામાં આવતી હાઈ-ટેન્શન ટ્રાન્સમિશન લાઈનોના વળતર મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા તાજેતરમાં 4/7/2026 ના રોજ બહાર પાડવામાં આવેલા ઠરાવનો વિરોધ કરતા ખેડુતોએ આંદોલન પાર્ટ-3 અંતર્ગત આજે વિશાળ પદયાત્રા યોજી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. ખેડૂતોએ આ નવા ઠરાવને અમાન્ય ગણાવી તેમાં સુધારા કરવાની ઉગ્ર માંગ કરી છે.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 અને ટેલિગ્રાફ એક્ટ 1885 ની જોગવાઈઓ અન્વયે પસાર થતી ટ્રાન્સમિશન લાઈનોના વળતર માટે 4/7/2026 ના રોજ નવો ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ ખેડૂતોના મતે આ ઠરાવ ખેડૂત વિરોધી છે. ટેલિગ્રાફ એક્ટની કલમ 10(D) મુજબ 'ઓછામાં ઓછું નુકશાન અને પૂરેપૂરું નુકશાનીનું વળતર' મળવું જોઈએ, જે આ ઠરાવમાં યોગ્ય રીતે સુનિશ્ચિત કરવામાં આવ્યું નથી. જ્યાં સુધી ખેડૂતો દ્વારા સુચવેલા સુધારા નહીં થાય ત્યાં સુધી તેઓ આ ઠરાવનો સખત વિરોધ કરશે.ખેડૂતો દ્વારા માંગવામાં આવેલા મુખ્ય સુધારાઓ અને જોગવાઈઓ:● વ્યવસાયિક ધોરણે વળતર: ટ્રાન્સમિશન લાઈનનો હેતુ વાણિજ્ય (બીનખેતી) હોવાથી, ટાવર બેઝ અને કોરીડોરની જમીનની બજાર કિંમતનું 100% સોલેશ્યમ સાથે કુલ બજાર કિંમતને 4 નો ગુણાંક આપી વળતર ચૂકવવામાં આવે. તેમાં ટાવરના પાયા ઉપરાંત ચારે બાજુ 1 મીટરનું વધારાનું વિસ્તરણ ધ્યાને લેવાય.● ભાડાનો વિકલ્પ: વળતરના બદલે જો ખેડૂત ઈચ્છે તો ટાવર બેઝ અને કોરીડોરનું માસિક ભાડું ચૂકવવાનો વિકલ્પ પણ આપવો જોઈએ.● એડવાન્સ અને ડીજીટલ પેમેન્ટ: ટાવર ઉભો કરવાની (ઈરીકેશન) કે તાર નાખવાની (સ્ટ્રીંગીંગ) કોઈપણ કામગીરી શરૂ કરતા પહેલા ખેડૂતને 100% વળતરનું એડવાન્સ ચુકવણું RTGS કે NEFT મારફતે સીધું બેંક ખાતામાં ફરજીયાત કરવું.● નુકશાનીનો વીમો અને જવાબદારી: ભવિષ્યમાં લાઈન કે ટાવરથી પાક, ઝાડ કે અન્ય મિલકતને નુકશાન થાય અથવા કોઈ અકસ્માત સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી ટ્રાન્સમિશન કંપનીની રહેશે. કંપનીએ ખેડૂત કે હિતધરાવતી વ્યક્તિનો ફરજીયાત અકસ્માત વીમો અને મેડીકલેમ ઉતરાવવાનો રહેશે.● મર્યાદિત સમય અને અંડરગ્રાઉન્ડ લાઈન: શક્ય હોય ત્યાં સુધી ટ્રાન્સમિશન લાઈન અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા જ લઇ જવી. જો તેમ ન થાય તો મોનોપોલ ટાવર ડીઝાઈનનો ઉપયોગ કરવો. કંપનીને માત્ર 25 વર્ષ માટે લાઈનની પરવાનગી આપવી, ત્યારબાદ કંપનીએ સ્વખર્ચે લાઈન દૂર કરવાની રહેશે. ● કોઈ ટેક્સ નહી: ખેડૂતોને ચુકવવામાં આવતા વળતરને ટેક્સ ફ્રી રાખવું.● વારંવાર નુકશાની પર વળતર: ટ્રાન્સમિશન કંપની જેટલી વાર પાક કે ઝાડને નુકશાન કરે, તેટલી વાર દરેક વખતે નુકશાનીનું પૂરું વળતર ચૂકવવા કંપની જવાબદાર રહેશે. માત્ર એક જ વાર વળતર આપીને છટકી શકાશે નહીં.#Morbi #MorbiUpdate #Jetpar #GujaratKhedutChhavni #FarmersProtest #FarmerRights #ElectricityTransmission #HighTensionLine #MorbiNews #GujaratFarmers #AgricultureNews