મોરબી: મોરબી જિલ્લાના માળીયા તાલુકાના કપાસ ઉત્પાદક ખેડૂતોના હિતમાં માળીયા તાલુકામાં કૉટન કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (CCI) કેન્દ્ર શરૂ કરવા કૃભકો (KRIBHCO), નવી દિલ્હીના ડિરેક્ટર મગનલાલ ડી. વડાવિયા દ્વારા કેન્દ્રીય કેબિનેટ મંત્રી ગિરિરાજ સિંહને રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે માળીયા તાલુકામાં કપાસનો પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો CCI કેન્દ્ર શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. હાલમાં ખેડૂતોને કપાસનો સંગ્રહ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ખુલ્લા બજારમાં કપાસનો ભાવ પ્રતિ મણ લગભગ રૂ. 1300 ની આસપાસ ચાલી રહ્યો છે, જે ખેડૂતો માટે નુકસાનકારક છે. તેમજ માળીયા તાલુકામાં કપાસની ગુણવત્તા (ક્વોલિટી) ખૂબ જ સારી હોય છે, જેના કારણે CCIને ઉચ્ચ ગુણવત્તાનો કપાસ સરળતાથી મળી શકશે. તેમણે કેન્દ્રીય મંત્રીને અપીલ કરી છે કે ખેડૂતોને રાહત આપવા અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે CCI દ્વારા તાત્કાલિક ધોરણે કપાસની ખરીદી શરૂ કરવામાં આવે.