ખેડૂતોની રજૂઆત સાંભળવાને બદલે યાર્ડ દ્વારા સોમવાર સુધી હરાજી બંધ કરી : રજૂઆત કરવા આવેલા ખેડૂતને પોલીસની હાજરીમાં વેપારીએ તતડાવી ચેમ્બર બહાર કાઢ્યો હળવદ : હળવદ માર્કેટ યાર્ડમાં આજે ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ નહીં મળતા હરાજી અટકાવી થોડીવાર માટે હળવદ માળીયા હાઇવે ચક્કાજામ કર્યો હતો. તેમજ ખેડૂતોની માંગણીને ધ્યાને લેવાને બદલે યાર્ડના કર્મચારીઓએ સોમવાર સુધી હરાજી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેની સામે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. હળવદ માર્કેટયાર્ડમાં કપાસ વેચવા આવેલા ખેડૂતોને કપાસનો યોગ્ય ભાવ નહીં મળતા વિરોધ કર્યો હતો અને હરાજી અટકાવી હાઈવે રોડ ચક્કાજામ કરી કપાસનો યોગ્ય ભાવ આપવા માંગ કરી હતી. જો કે થોડીવાર હાઈવે રોડ ચક્કાજામ કરતાં હાઇવે પર વાહનોના થપ્પા જામી ગયા હતા ત્યારબાદ પોલીસ દોડી આવી ખેડૂતોને સમજાવી હાઇવે ખુલ્લો કરાવ્યો હતો. જો કે યાર્ડમાં રજૂઆત કરવા આવેલા ખેડૂતોની માંગ સંતોષવાને બદલે સોમવાર સુધી હરાજી બંધ કરીમાં આવતા દૂર ગામડેથી કપાસ વેચવા આવેલા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ વહેલી સવારના વાહનો ભાડે બાંધી હળવદ યાર્ડમાં કપાસ લાવવામાં આવ્યો હતો પરંતુ માંગ સંતોષવાને બદલે યાર્ડ દ્વારા સોમવાર સુધી હરાજી બંધ કરી દેવાતા પડ્યા પર પાટું મારવા જેવું થયું છે. ઉલ્લેખનીય છે કે હળવદ માર્કેટ યાર્ડમાં પાછલા થોડા સમયથી ખેડૂતો કપાસ અને મગફળીનો યોગ્ય ભાવ ન મળતો હોવાથી વિરોધ નોંધાવતા હોય છે ત્યારે આજે પણ ભાવ નહીં મળતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. યાર્ડમાં કપાસનો ભાવ યોગ્ય નહીં મળતા યાર્ડ ના કર્મચારીઓને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ચેરમેનની ચેમ્બરમાં પોલીસની હાજરીમાં રજૂઆત કરી રહેલ ખેડૂતને યાર્ડના કર્મચારી અને વેપારીએ રીતસરનો તતડાવી નાખી તમે કપાસ લઈને આવ્યા જ નથી. માત્ર વિરોધ કરવા આવ્યા છો? અને કપાસ લઈને આવ્યા છો તો ક્યાં મુક્યો છે? તેમ કહી ખેડૂતને અપમાનિત કરી ચેમ્બરની બહાર કાઢ્યો હતો.