મોરબી સહિત અન્ય જિલ્લાના અંદાજે 400 ટેક્ટર રેલીમાં જોડાવાનો દાવો: કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાશે મોરબી: ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નો, ખાસ કરીને જમીન સંપાદનના વળતર મુદ્દે આગામી 2 ફેબ્રુઆરી 2026ના રોજ એક વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ટંકારાથી શરૂ થનારી આ રેલીમાં 400થી વધુ ટ્રેક્ટરો સાથે હજારો ખેડૂતો જોડાશે અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી પોતાની એકતાનો પરિચય કરાવશે. આ રેલી પૂર્વે ટંકારામાં સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સવારે 09:30 કલાકે અવસર પાર્ટી પ્લોટ, લતીપર રોડ, ટંકારા ખાતે સભા યોજાયા બાદ બપોરે રેલીનું પ્રસ્થાન થશે. જે મોરબી કલેક્ટર કચેરીએ પહોંચશે.ટ્રેક્ટર યાત્રાનો ઉદ્દેશ્ય ખેડૂત આગેવાનોના જણાવ્યા અનુસાર, આ લડતનો મુખ્ય ઉદ્દેશ 2013ના જમીન સંપાદન કાયદા મુજબ ખેડૂતોને માર્કેટ ભાવ કરતા 4 ગણું વળતર અપાવવાનો છે. રાજસ્થાન સરકારની જેમ ગુજરાત સરકાર પણ તાકીદે આ અંગેનો પરિપત્ર જાહેર કરે તેવી માંગ કરવામાં આવી છે. જો સરકાર આ બાબતે નમતું નહીં જોખે, તો આગામી દિવસોમાં હજારો ટ્રેક્ટરો સાથે ગાંધીનગરના ઘેરાવની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.વીજ લાઈનો અને ખેડૂતોની સુરક્ષાસમિતિએ ચિંતા વ્યક્ત કરી છે કે આગામી 5 થી 10 વર્ષમાં ખાનગી વીજ કંપનીઓ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સોલાર તથા વિન્ડ એનર્જીના મોટા પ્રોજેક્ટ્સ નાખી રહી છે. આ વીજળીને અન્ય રાજ્યોમાં મોકલવા માટે ખેતરોની વચ્ચેથી હાઈટેન્શન વીજ લાઈનો (440kv થી 1200kv સુધીની) પસાર થશે. આ લાઈનોને કારણે ખેતીની જમીનને નુકસાન થશે. ખેડૂતોને પૂરતું વળતર મળે તે માટે અત્યારથી જ એકઠાં થવું અનિવાર્ય છે.કોણ કોણ જોડાશે?આ યાત્રામાં માત્ર મોરબી જ નહીં, પરંતુ ગુજરાતભરના ખેડૂતો સમર્થન આપી રહ્યા છે. હળવદ, માળીયા, ટંકારા અને વાંકાનેરના ખેડૂતો ટ્રેક્ટરો સાથે જોડાશે. તેમજ કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ અને અમદાવાદ સુધીના ખેડૂતો આ લડતમાં સહભાગી થશે.ખેડૂત આગેવાનોની અપીલગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાન પાલભાઈ આંબલિયા અને મહેશ રાજકોટીયાએ ખેડૂતોને આહવાન કર્યું છે કે, દરેક ખેડૂત પોતાનો એક દિવસ ખેતી અને ભવિષ્ય માટે ફાળવે. તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડિયો બનાવી અન્ય ખેડૂતોને જાગૃત કરે. રાજકીય પક્ષોના પ્રભાવ વગર સ્વયંભૂ રીતે આ ઐતિહાસિક લડતનો હિસ્સો બને. 'આજે નહિ જાગો તો કાલે તમારા ખેતરમાંથી નીકળતી વીજ લાઈન સામે અવાજ ઉઠાવવા માટે કોઈ નહીં હોય. લડીશું તો જીતીશું!'ઐતિહાસિક યાત્રાઆ ટ્રેક્ટર યાત્રા તેની સ્વયંભૂ અને વિશાળ જનશક્તિને કારણે ઐતિહાસિક બની રહેશે. વીજ લાઈનથી પીડિત મોરબી જિલ્લાના હજારો ખેડૂતો કોઈ પણ રાજકીય પીઠબળ વગર, પોતાના ખર્ચે 400થી વધુ ટ્રેક્ટરો લઈને જોડાવાના છે. અન્ય જિલ્લાના ખેડૂતો પણ એકતાના પ્રતીક રૂપે આ લડતને ટેકો જાહેર કરી રહ્યા છે. અત્યાર સુધી કોઈ પણ રાજકીય પક્ષે કરી હોય તેના કરતાં અનેકગણી મોટી આ ટ્રેક્ટર રેલી ગુજરાતના ઇતિહાસમાં ખેડૂતોની એકતા અને મક્કમતાનું નવું ઉદાહરણ પૂરું પાડશે.