ગત વર્ષમાં ખેડૂતોને જીરું પ્રતિ મણના મળ્યા હતા 6000 સુધીના ભાવ : હાલમાં 4000 સુધીના ભાવમોરબી : મોરબી જિલ્લામાં ઓણસાલ પિયતની સગવડતાને લઈ મોટાપ્રમાણમાં રવિ સીઝનમાં ઘઉં, ચણા અને સૌથી વધુ જીરુંનું વાવેતર થયું છે ત્યારે નવી સીઝનના જીરુંની યાર્ડમાં આવક પણ શરૂ થઇ ચુકી છે, ખેડૂતોને ઓણસાલ જીરુમાં વીઘે છ થી સાત મણ સુધીના ઉતારા આવ્યા છે પરંતુ બજારમાં જીરુંના ભાવ તળિયે હોવાથી ખેડૂતો મને ક મને 4000 રૂપિયા સુધીના ભાવમાં જીરું વેચી રહયા છે. ચાલુ સીઝનમાં છેલ્લા એક સપ્તાહમાં જ મોરબી યાર્ડમાં 17,240 મણ જીરું ઠાલવાયું છે.આ વર્ષે અતિવૃષ્ટિ જેવી સ્થિતિમાં છેલ્લે સુધી વરસાદ વરસ્યા બાદ સિંચાઈ માટે પૂરતી સુવિધા હોવાથી જિલ્લામાં રવિ સીઝનમાં જીરું, ઘઉં અને ચણાની મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ખેતીવાડી વિભાગના આંકડા મુજબ વર્ષ 2024-25ની રવિ સીઝનમાં જિલ્લામાં જીરુંનું 67,389 હેક્ટરમાં, ઘઉંનું 65,170 અને ચણાનું 24,397 હેક્ટરમાં વાવેતર થયું છે.બીજીતરફ છેલ્લા 20 દિવસથી મોરબી યાર્ડમાં નવા જીરુંની મબલખ આવક ઠાલ્વી છે. છેલ્લા એક સપ્તાહમાં જ યાર્ડમાં 17,240 મણ જીરું, 4590 મણ ઘઉં અને 5550 મણ ચણા ખેડૂતો વેચાણ માટે લાવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં તેજીને કારણે જીરુંનો ભાવ 12000-13000 સુધી પહોંચી ગયો હતો જયારે ગત વર્ષ જીરુંનો ભાવ 6000 જેવો રહ્યો હતો. જેની તુલનાએ ચાલુ વર્ષ 2025માં ખેડૂતોને રૂપિયા 4000 આસપાસના ભાવ મળી રહયા હોય ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.જો કે, ઓણસાલ જીરૂને અનુકૂળ વાતાવરણ રહ્યું હોવાથી તેમજ ઝાકળવર્ષા ઓછી થતા ખેડૂતોને જીરુંના પાકમાં વીઘે પાંચથી સાત મણ અને કેટલાક ખેડૂતોને એથી પણ વધુ ઉતારા આવ્યા છે. જો કે, ખેડૂતોને આશા મુજબના ભાવ ન મળતા ખેડૂતો જરૂર પૂરતું જ જીરું વેચાણ કરી રહ્યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.તા. 25 થી તા. 6 સુધીમાં ખેડૂતોને મળેલા ભાવ મોરબી માર્કેટિંગ યાર્ડમાં ચાલુ નવી સીઝનના જીરુંનો સૌથી નીચો ભાવ રૂ. 2950 અને વધુમાં વધુ રૂ.4038 સુધીનો ભાવ મળ્યો હતો. એ જ રીતે નવા ઘઉંનો સૌથી નીચો ભાવ રૂ. 465 અને વધુમાં વધુ 682 ભાવ મળ્યો હતો.તેમજ ચણામાં સૌથી નીચા ભાવ 850 અને વધુમાં વધુ 1071 ભાવ પ્રતિમણ રહ્યો હતો.જીરુંના ભાવ રૂ.5000 સુધી હોવો જોઈએ - ખેડૂત રાજેન્દ્રસિંહમોરબી યાર્ડમાં આજે જીરું વેચવા આવેલા જુના સાદુળકા ગામના ખેડૂત રાજેન્દ્રસિંહ ચતુરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મેં 25 વીઘામાં જીરુંનું વાવેતર કર્યું છે જેમાં હાલ મને વીઘે 7 મણ જેવો ઉતારો આવ્યો છે. હાલમાં રાજેન્દ્રસિંહે રૂ 3895ના ભાવે આજે 70 મણ જીરું વેચ્યું હોવાનું તેમને જણાવ્યું હતું, રાજેન્દ્રસિંહના જણાવ્યા મુજબ જીરુંના પાકમાં ખર્ચ અને મહેનત પ્રમાણે તેઓને ઓછામાં ઓછા પ્રતિ મણના 5000 સુધીના ભાવ મળવા જોઈએકપાસે રોવરાવ્યા અને જીરુએ ઝુકાવ્યાં : ખેડૂત માણસુરભાઈમોરબીના યાર્ડમાં જીરું વેચવા આવેલ ગજડી ગામના ખેડૂત માણસુરભાઈ જારીયાએ જણાવ્યું હતું કે ભારે વરસાદ અને કમોસમી વરસાદના કારણે કપાસમાં પણ પુરા ભાવ ન મળતા રોવાનો વારો આવ્યો હતો ત્યારે મેં 2.5 વીઘાના જીરુંનું વાવેતર કર્યું છે જેમાંથી 23 મણ જેટલું જીરું થયુ છે. જો કે, યાર્ડમાં જીરું વેચવા આવ્યા તો એક મણનો રૂ. 3914 જેટલો જ ભાવ મળ્યો છે. ખરેખર જીરું રૂ. 7-8 હજાર રૂપિયા ભાવ હોય તો ખેડૂત કંઈક કમાઈ શકે પણ એ આશા પણ પુરી ન થઇ.જેથી જીરુંના ભાવે ખેડૂતોને ઝુકાવી દીધા હોવાનું તેમને જણાવ્યું હતું.