જ્યાં સુધી યોગ્ય વળતર નહિ મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનું એલાનમોરબી : મોરબીના જેતપર ગામે વિજલાઈનના વળતર મુદે ખેડૂતોએ આંદોલન પાર્ટ ટુ શરૂ કર્યો છે જેમાં ગઈકાલથી ગામના પાંચ વ્યક્તિઓ અન્નનો ત્યાગ કરી આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે આજે આ ઉપવાસ આંદોલનનો બીજો દિવસ હોય ખેડૂતો મક્કમ દેખાય રહ્યા છે.જેતપર ગામે પસાર થતી વીજ લાઈનને લઈ છેલ્લા ઘણા સમયથી ખેડૂતો યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. પરંતુ કંપની અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા પ્રથમ ખેડૂતોએ બે વખત ચક્કાજામના કાર્યક્રમો આપ્યા હતા. ત્યારબાદ મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર કૂચમાં પણ જોડાયા હતા. જોકે આ ગાંધીનગર કૂચ નિષ્ફળ નિવડી હોય ખેડૂતોએ જાતે જ ન્યાયની લડત શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. તેના ભાગરૂપે ગઈકાલથી ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપવાસ દરમિયાન ગઈકાલે રામધુનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ ઉપવાસ આંદોલનને અનેક ગામોના ખેડૂતોએ સમર્થન જાહેર કર્યું છે આજે બીજા દિવસે પણ ઉપવાસ આંદોલન યથાવત છે બીજી તરફ ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં અડગ દેખાય રહ્યા છે.