જેતપર ખાતે ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં 19 ખેડૂતો પ્રતીક ઉપવાસ પર, મીતાણા અને આમરણ સહિતના ગામોનો 2027ની ચૂંટણી અંગે કડક નિર્ણય મોરબી અપડેટ: વીજલાઇન મુદ્દે ખેડૂતોની માંગણી મુજબ નવો પરિપત્ર જાહેર કરવામાં ન આવતા મોરબી અને ટંકારા પંથકમાં ખેડૂતોનો વિરોધ દિન-પ્રતિદિન વધુ આક્રમક બની રહ્યો છે. પોતાના હક્ક અને યોગ્ય વળતર માટે લડી રહેલા ખેડૂતો દ્વારા આવનારી 2027ની વિધાનસભા ચૂંટણીમાં શાસક પક્ષના ઉમેદવારો અને નેતાઓને ગામમાં પ્રવેશવા ન દેવાની જાહેરાતો કરવામાં આવી રહી છે.2027ની ચૂંટણીમાં પ્રવેશબંધી અંગે વિવિધ ગામોનો કડક નિર્ણય મોરબી અને ટંકારા તાલુકાના વિવિધ ગામોના ખેડૂતોએ એકસૂરે સ્પષ્ટ સૂચના આપી છે કે જ્યાં સુધી વીજલાઇનના મામલે ખેડૂતોની માંગણી મુજબ ઉર્જા વિભાગ દ્વારા નવો પરિપત્ર બનાવવામાં નહીં આવે, ત્યાં સુધી 2027ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો કે નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં. મોરબી તાલુકાના જીવાપર (આમરણ), કાંતિપુર, માણેકવાડા અને કેરાળી તેમજ ટંકારા તાલુકાના મીતાણા, હરીપર (ભુ) અને ધ્રોલિયા ગામના ખેડૂતોએ આ અંગેનો કડક નિર્ણય જાહેર કરીને બહિષ્કારનું એલાન કર્યું છે. ખેડૂતોની ન્યાયિક માંગણીઓને વાચા આપવા માટે જેતપર ખાતે 'ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી' ચલાવવામાં આવી રહી છે. 05/08/2026ના રોજ આ છાવણીમાં શકત શનાળા તથા કુંતાસી ગામના 350થી વધુ ભાઈઓ, બહેનો અને માતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ પ્રદર્શનને વધુ મજબૂત અને વેગવંતું બનાવવા માટે 10 ભાઈઓ અને 9 બહેનો-માતાઓ સહિત કુલ 19 ખેડૂતો દ્વારા પ્રતીક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે.MRC કમિટી પ્રતિનિધિ મુદ્દે કંપનીને ખેડૂતોનો સ્પષ્ટ ઇનકાર રિલાયન્સ વીજકંપનીના કર્મચારીઓ ખેડૂતોને MRC કમિટીમાં પ્રતિનિધિ નક્કી કરવા બાબતે મળવા આવ્યા હતા. જોકે, નાના ભેલા, મોટા ભેલા, ભાવપર, નાના દહીસરા અને તરઘડીના ખેડૂતોએ એકસૂરે સ્પષ્ટ સણસણતો જવાબ આપ્યો હતો કે, ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી-જેતપર દ્વારા રજૂ કરાયેલી ખેડૂતોની માંગણી મુજબ ઉર્જા વિભાગ નવો પરિપત્ર બહાર પાડે, ત્યાર પછી જ MRC કમિટી માટે પ્રતિનિધિ આપવામાં આવશે.#Morbi #MorbiUpdate #Tankara #FarmersProtest #KhedutAndolan #GujaratFarmers #Election2027 #MorbiNews