નર્મદામાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો હોવા છતાં ખેડૂતોને પાણી ન અપાતું હોવાના આક્ષેપો: પાણી નહીં મળે તો બિયારણ ફેલ જવાની ભીતિહળવદ: હળવદ પંથકના ખેડૂતો દ્વારા બ્રાહ્મણી ડેમ-2 પર પાણી છોડવાની ઉગ્ર માંગ સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો છે. ચોમાસુ પાકની વાવણી કર્યા બાદ કેનાલનું પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોંઘા ભાવના બિયારણ વાવ્યા બાદ પાણી ન મળતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો સવારથી જ ભૂખ્યા પેટે ડેમ પર રજૂઆત કરવા પહોંચ્યા છે, પરંતુ અધિકારીઓ એકબીજા પર ખો આપી રહ્યા હોવાના આક્ષેપો કરાયા છે.એક પાણ આપ્યા બાદ પાણી બંધ કરાતા લાખોનું બિયારણ બગડવાની સ્થિતિજુના ઘાટીલા ગામના ખેડૂત જગદીશભાઈએ જણાવ્યું હતું કે, કેનાલ પર તેમની 140 વીઘા જમીન આવેલી છે. વાવણી બાદ માત્ર 1 પાણ જેટલું પાણી આપીને બંધ કરી દેવાતા બિયારણ ફેલ જવાની સ્થિતિ સર્જાઈ છે. ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ અગાઉ ખેતીવાડીમાં પાણી આપવાની વાત કરી હતી, છતાં ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો પાસે ગરજ કરાવવા માટે આ પ્રકારનું રાજકારણ રમાતું હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. પ્રતાપગઢના ખેડૂત જગમલભાઈએ જણાવ્યું કે કેનાલમાં પાણી બંધ કરાતા સવારથી ખેડૂતો ભૂખ્યા પેટે બેઠા છે અને અધિકારીઓ ચાવી આપતા નથી કે ગેટ ઉપાડવાની ના પાડી રહ્યા છે.નેતાઓ ઉત્સવોમાં વ્યસ્ત હોવાના આક્ષેપમયુરનગર ગામના ખેડૂત શૈલેષભાઈ ડાંગરે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના 300 ગામોમાં પીવાનું પાણી પણ મળતું નથી. નર્મદા નિગમમાં પુષ્કળ પાણી હોવા છતાં ધારાસભ્યો અને મંત્રીઓ ઉત્સવો ઉજવવામાંથી નવરા થતા નથી. ખેડૂતોએ આક્ષટ કર્યો છે કે આ એક વર્ષ નહીં, દર વર્ષે આવી જ હાલાકી ભોગવવી પડે છે. તેમણે કૃષિ મંત્રીને જાહેરમાં નર્મદાનું પાણી કેટલું છે તે આંકડા જાહેર કરવા પડકાર ફેંક્યો છે જેથી જનતાને ખબર પડે કે કોણ ગુમરાહ કરી રહ્યું છે.મયુરનગરના ચમનભાઈ અને રમેશભાઈએ પણ જણાવ્યું કે પ્રકાશભાઈ વરમોરાની જાહેરાત બાદ ભરોસો રાખીને 3000 થી 4000 વીઘા જમીનમાં કપાસનું વાવેતર કરાયું છે. જો બે દિવસમાં પાણી નહીં મળે તો ખેડૂતોને 1 થી 1.5 લાખ રૂપિયાના બિયારણની મોટી ખોટ જશે. સરકાર એકબાજુ વિકાસની વાતો કરે છે ત્યારે બીજી બાજુ જગતનો તાત ગણાતો ખેડૂત આજે દાસ જેવી સ્થિતિમાં આવી ગયો છે. ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે કેનાલમાં ડબલ પાણી છોડવામાં આવે જેથી ડેમ પણ ભરાય અને પીવાના તેમજ સિંચાઈના પાણીની સમસ્યા હલ થાય.#Morbi #Halvad #BrahmaniDam #FarmersProtest #NarmadaWater #Agriculture #MorbiNews #WaterCrisis