હળવદ : હળવદ પંથકમાં છેલ્લા થોડા દિવસોથી વીજ ધાંધિયાને લઇ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે હળવદના જુદા-જુદા ચાર ગામના ખેડૂતોએ ડુંગરપુર ગામે આવેલ 66 કેવી ખાતે હલાબોલ કરતા હળવદ તેમજ ચરાડવાના પીજીવીસીએલના અધિકારીઓ દોડી ગયા હતા અને ખેડૂતોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. હળવદ તાલુકાના ડુંગરપુર,શિવપુર, રાતાભેર અને માણેકવાડાની કેટલીક વાડીઓનો વીજ પુરવઠો ઓમ ફીડરમાંથી આપવામાં આવે છે જોકે અહીં પાછલા બે વર્ષથી લોડ વધુ છે જેના કારણે ખાસ કરીને ઉનાળાની સિઝનમાં વીજળીના પ્રશ્નો રહે છે બીજી તરફ અહીં અવારનવાર વીજ કાપ કરવામાં આવતો હોય. સાથે જ છેલ્લા બે વર્ષથી રજૂઆત કરવા છતાં પણ લોડ ઘટાડો કરવામાં ન આવ્યો હોય જેના કારણે આજે ચાર ગામના ખેડૂતોએ ડુંગરપુર ગામે આવેલ 66કેવી એ અલ્લાબોલ કર્યો હતો. વધુમાં રાતાભેર ગામના અને ભાજપ અગ્રણી વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી રજૂઆતો કરવામાં આવે છે પરંતુ ખેડૂતોનો પ્રશ્ન હજી સુધી હલ થયો નથી ડુંગરપુર, રાતાભેર,શિવપુર અને માણેકવાડા ગામના જે ખેડૂતોને ઓમ ફીડરમાંથી વીજ પુરવઠો આપવામાં આવે છે. તે મોટાભાગના ખેડૂતો બાગાયતી ખેતી સાથે જોડાયેલા છે અહીં નર્મદા કેનાલ નો લાભ નથી મળતો અને ઉપરથી વીજ પુરવઠો પણ પૂરતો ન મળતો હોય તેથી ખેડૂતોનો પ્રશ્ન વહેલી તકે હલ કરવામાં આવી તેવી માંગ કરી છે. ધારાસભ્ય વરમોરાની સમજાવટ બાદ મામલો થાળ પડ્યો ડુંગરપુર ગામે વીજળી પ્રશ્ન ખેડૂતો દ્વારા કરવામાં આવેલ હલ્લાબોલને લઈ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પીજીવીસીએલના અધિકારી નીનામાને ખેડૂતોનો પ્રશ્ન જેમ બને તેમ વહેલી તકે હલ કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી છે સાથે જ ખેડૂતોને પણ સમજાવી હાલ મામલો થાડે પાડ્યો હતો.