મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી સુધી વિશાળ પદયાત્રા યોજી જિલ્લા કલેકટરને આવેદન અપાયુંમોરબી : જેતપરમાં ઉપવાસ આંદોલન બાદ આંદોલન પાર્ટ-3 અંતર્ગત ખેડુતોએ આજે વિશાળ પદયાત્રા યોજી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે. આ આવેદન આપ્યા બાદ ખેડુત સમિતિના આગેવાને જાહેર કર્યું છે કે જ્યાં સુધી સરકાર માંગણી નહિ સ્વીકારે ત્યાં સુધી ખેડૂત આંદોલન યથાવત જ રહેવાનું છે. આ મામલે નેહુલ અમૃતિયાએ જણાવ્યું કે ગુજરાતના લોકો તરફથી 8 અને 9 તારીખે મળેલા સૂચનોને ધ્યાનમાં રાખીને એક લખાણ તૈયાર કરીને કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. ગઈકાલ રાત્રે 8 વાગ્યા સુધીમાં 365 ગામની ગ્રામ પંચાયતોના લેટરપેડ પર 4/7/2026 ના નવા પરિપત્રના વિરોધમાં સમર્થન મળ્યું છે. ત્યારબાદ પણ વધુ લેટરપેડ આવ્યા છે જેને ભવિષ્યમાં આ રજૂઆત સાથે જોડવામાં આવશે. ખેડૂતોને વળતર આપવા માટે રજૂઆતમાં 3 મુખ્ય વિકલ્પો આપવામાં આવ્યા છે. પહેલા વિકલ્પમાં ટાવર માટે બજાર કિંમતના 200 ટકાને બદલે 400 ટકા વળતરની માંગ કરવામાં આવી છે, જ્યારે કોરિડોર માટે ગ્રામ્ય, નગરપાલિકા અને મહાનગરપાલિકા એમ ત્રણેય ક્ષેત્રો માટે સમાન 260 ટકાના સ્લેબની માંગ કરવામાં આવી છે. બીજા વિકલ્પ મુજબ, વર્ષ 2013 ના જમીન સંપાદન કાયદાને આધારે ટાવર અને તાર બંને માટે બજાર કિંમતથી 4 ગણું વળતર આપવાની રજૂઆત છે. ત્રીજા વિકલ્પમાં, વર્ષ 2006 ના લાયસન્સિંગ રૂલ મુજબ કંપની અને ખેડૂતો સાથે બેસીને કલેકટર દ્વારા જમીનનું યોગ્ય ભાડું નક્કી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. આ 3 મુખ્ય માંગણીઓ ઉપરાંત ખેડૂતોના હિતલક્ષી અન્ય 22 થી 25 જેટલી માંગણીઓ પણ આવેદનપત્રમાં રજૂ કરવામાં આવી છે. જો આગામી સમયમાં સરકાર દ્વારા આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આ પરિપત્ર સમગ્ર ગુજરાતના ખેડૂતોને લાગુ પડતો હોવાથી, ગુજરાતના તમામ ખેડૂતો એકસાથે મળીને ભવિષ્યની ઉગ્ર રણનીતિ નક્કી કરશે તેવી સ્પષ્ટ વાત કરવામાં આવી છે.ખેડૂત સમિતિના અન્ય એક આગેવાને જણાવ્યું કે સમિતિને 17 જિલ્લામાંથી લેટરપેડ આવ્યા છે. એમાં મોસ્ટ ઓફ મોરબી જિલ્લાના 300 જેટલી ગ્રામ પંચાયતે આ ઠરાવનો વિરોધ કર્યો છે. જ્યાં સુધી આ નવો પરિપત્ર બનાવવામાં ન આવે અને જ્યાં સુધી આ ખેડૂતોને હક નહી મળે, ત્યાં સુધી ખેડૂત આંદોલન ચાલુ જ રહેશે. ભવિષ્યમાં અમે આગળ જાણ કરીશું કે ક્યા ક્યા કાર્યક્રમ કરવામાં આવશે. છાવણી યથાવત જ છે અને યથાવત જ રહેશે.એક મહિલા આગેવાને જણાવ્યું હતું જે પરિપત્ર અમને માન્ય નથી. કંપનીને 25 થી 30 વર્ષ માટે લાયસન્સ આપ્યું છે. તો આ 25 થી 30 વર્ષ પછી શું? આનો કોઈ પરિપત્રમાં ઉલ્લેખ કર્યો નથી. તો અમારે વળી આંદોલન પાછું ફરીવાર કરવાનું? કે 25 વર્ષ પછી વીજપોલ કે તાર આવે છે એને ઉખાડી નાખવામાં આવશે? કે 25 વર્ષ પછી ખેડૂતોને જે વળતર આપવામાં આવે છે એ ફરીવાર પાછું વળતર આપવામાં આવશે? એવો કોઈ ઉલ્લેખ નથી. નગરપાલિકામાં અને ગ્રામ્ય વિસ્તારમાં ભાવ અલગ અલગ હોય છે. અમે ટેક્સ તો બધાય સરખા જ ભરીએ છીએ ને. શહેરોવાળા એટલા જ ટેક્સ ભરે છે, તો અમારી જમીનની વેલ્યુ નીચી શા માટે? અમને તે માન્ય નથી. બીજો મુદ્દો એ છે કે જે ખેડૂત માટે લડત માટે ઉભા છે એને ધમકાવવા શા માટે આવે છે? અત્યારે બધાને ત્યાં રેડ પાડવામાં આવે છે, જૂની ફાઈલો ખોલવામાં આવે છે. અમને શાંતિથી લડવા દયો.અન્ય એક ખેડૂત આગેવાને જણાવ્યું કે આગામી કાર્યક્રમમાં ગુજરાતના જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે જે વિસ્તારમાં વીજપોલ આવે છે તે વિસ્તારમાં ખેડૂતોને જાગૃત કરીને એના વિશેની માહિતી પૂરી પાડવાની છે. અને આગામી રણનીતિ અમારી કમિટી ટૂંક સમયમાં જણાવશે.'જેતપરના મહિલાએ જણાવ્યું કે સરકારે લોલીપોપ જેવો પરિપત્ર આપ્યો હતો તે અમે પરત કરવા આવ્યા છીએ. કેમ કે અમારા ખેડૂતોમાંથી કોઈને આ પત્ર માન્ય નથી. અમારી રજૂઆત છે કે અમારા મુદ્દાને સ્વીકારો. ખાસ મુદ્દો મારો એ હતો કે જે આ કંપનીને લાયસન્સ આપવામાં આવે છે એ 25 થી 30 વર્ષ માટેનું છે. તો 25 વર્ષ પછી શું? આ મુદ્દાનો કોઈ ઉલ્લેખ નથી પરિપત્રમાં. તો અમારી માંગણી એ છે કે તમે જે પરિપત્ર અમને આપો છો એમાં ઉલ્લેખ કરો. શું અમારી આવનારી પેઢીને પાછી આ જ સત્યાગ્રહની લડત લડવાની? મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે, ખેડૂતોની વિવિધ માંગણીઓને ધ્યાને લઈ સરકાર દ્વારા ખૂબ જ સંવેદનશીલતા દાખવીને એક વિસ્તૃત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂતોની માંગણી મુજબ માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ખેડૂતોના પ્રતિનિધિને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે જ વળતરના ભાવમાં પણ વધારો કરીને 200% અને ગ્રામ્ય વિસ્તાર માટે 30% ની જોગવાઈ કરવામાં આવી છે. કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કમિટીની કાર્યપદ્ધતિ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ માર્કેટ રેટ કમિટીમાં કુલ 3 સભ્યો (વેલ્યુઅર) રહેશે. એક સરકાર તરફથી નીમવામાં આવેલા વેલ્યુઅર, એક ટ્રાન્સમિશન કંપનીના વેલ્યુઅર અને એક ખેડૂત મિત્રોના પ્રતિનિધિ દ્વારા નક્કી કરાયેલા વેલ્યુઅરનો તેમાં સમાવેશ થાય છે. આ ત્રણેય વેલ્યુઅર ગામમાં રૂબરૂ જઈને બજારના ખરેખર (એક્ચ્યુઅલ) ભાવોની ચકાસણી કરશે. ત્યારબાદ આ ભાવો બંધ કવરમાં MRC (માર્કેટ રેટ કમિટી) સમક્ષ રજૂ કરાશે અને સરકારના GR મુજબ યોગ્ય ભાવ નક્કી કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તમામ ટ્રાન્સમિશન કંપનીઓ સાથે બેઠક કરીને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. કમિટી દ્વારા ભાવ નક્કી થયા બાદ ખેડૂતોના ખાતામાં 100% અપફ્રન્ટ પેમેન્ટ જમા થઈ જશે, ત્યારપછી જ લાઈન નાખવાની કે ટાવર ઊભા કરવાની આગળની કામગીરી શરૂ કરી શકાશે. જે લાઈનોમાં વળતરની ચૂકવણી બાકી છે ત્યાં પણ ટૂંક સમયમાં વધારાનું વળતર ચૂકવી દેવાશે. આજે ખેડૂતો દ્વારા પણ નવી માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે, જેને સરકારમાં મોકલી આપવામાં આવશે. કલેક્ટરે કહ્યું કે સરકારનો આ પરિપત્ર સંપૂર્ણપણે ખેડૂતોના હિતમાં છે, તેથી ખેડૂતો વહેલી તકે માર્કેટ રેટ કમિટીમાં પોતાના વેલ્યુઅર/પ્રતિનિધિની નિમણૂક કરે જેથી ભાવો નક્કી કરવાની પ્રક્રિયા ઝડપી બને અને ખેડૂતોને વહેલી તકે વધારાનું વળતર મળી શકે. આ કમિટીમાં કોઈ બહુમતીના આધારે નિર્ણય લેવાનો નથી, પરંતુ બંધ કવરમાં આવેલા ભાવોની સરખામણી માટે...