બહેનો ગાંધીનગર જઈ સરકારને સારી ભાષામાં સમજાવશે : આમરણાંત આંદોલનમાં આઠમા દિવસે નિલેશ એરવાડિયાનું મોટું એલાન મોરબી : મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ આંદોલનના આઠમા દિવસે ઉપવાસી નિલેશભાઈ એરવાડિયાએ મોટુ એલાન કર્યું છે. તેઓએ સરકારને શાનમાં સમજી જવા 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો સરકાર કઈ પગલાં નહિ લ્યે તો 48 કલાક બાદ બહેનો ગમે ત્યારે ટુ-વ્હીલર લઈને ગાંધીનગર કુચ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે છેલ્લા 4 દિવસથી એસપી, કલેક્ટર, એસડીએમ અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ વારંવાર ઉપવાસ છાવણીની મુલાકાત લઈ રહ્યા છે. સરકાર તરફથી માત્ર મૌખિક આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ખેડૂતોએ પોતાના તમામ પ્રશ્નો લેખિતમાં રજૂ કરી દીધા હોવા છતાં બેરી સરકારના કાને હજી સુધી અવાજ પહોંચ્યો નથી.નિલેશ એરવાડિયાએ ઉમેર્યું કે ખેડૂતો વતી સરકાર સમક્ષ 3 મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં પહેલી ગુજરાતની અંદર જેટલી પણ ઇલેક્ટ્રિસિટી લાઈનોનું કામ ચાલુ છે, તેને લઈને સરકાર નવો પરિપત્ર જાહેર કરે. તમામ લાઈનો પર કામ તાત્કાલિક બંધ કરવામાં આવે, સાધનો બહાર કાઢવામાં આવે અને વીજપોલનો જે સામાન વેરવિખેર પડ્યો છે તે કંપનીઓ પાછો ખેંચી લે. બીજી માંગણી કે સરકાર ખેડૂતોને જે પણ આપવા માંગતી હોય, તેનું એક કાચું ડ્રાફ્ટિંગ કરીને ખેડૂતોને સોંપવામાં આવે. ત્રીજી માંગણી એ છે કે મુખ્યમંત્રી પોતાના સત્તાવાર લેટરપેડ ઉપર લેખિતમાં પત્ર લખીને ઉપવાસ છાવણીને વાટાઘાટો માટે આમંત્રણ આપે.ખેડૂત આગેવાન નિલેશભાઈ એરવાડિયાએ અલ્ટીમેટમ આપતા સાફ શબ્દોમાં જણાવ્યું છે કે જો આગામી 48 કલાકની અંદર ખેડૂતોની આ 3 માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો 48 કલાક પછી મોરબી જિલ્લાનો મહિલા મોરચો મોટી સંખ્યામાં એક્ટિવા સાથે ગાંધીનગર જવા રવાના થશે. જો સરકાર પાસે સમજણ ન હોય તો ખેડૂતોની દીકરીઓ, બહેનો અને માતાઓ સરકારને તેમની જ ભાષામાં પ્રેમથી સમજાવવા માટે સક્ષમ છે.#Morbi #MorbiUpdate #MorbiNews #FarmersProtest #NileshErvadiya #GujaratFarmers #MorbiMovement #LiveNews