ગુજરાત સત્યાગ્રહ છાવણીના નેજા હેઠળ ખેડૂતોએ વીજ લાઈનના વળતર મુદ્દે સરકારને ઘેરી : કારુભાઈ અમૃતિયા સહિતના ખેડૂત આગેવાનોએ હાર્દિક પટેલના 400 ટકા વળતરના દાવાઓને પોકળ ગણાવ્યામોરબી અપડેટ : મોરબી તાલુકાના રાજપર ગામે ખેડૂતોની એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સત્યાગ્રહ છાવણીના નેજા હેઠળ યોજાયેલી આ સભામાં ખેડૂતોએ ધારાસભ્ય હાર્દિક પટેલે કરેલા નિવેદન બફાટનો આકરા શબ્દોમાં સણસણતો જવાબ આપ્યો હતો. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી હાઈ-વોલ્ટેજ વીજ લાઈનો અને તેના અપૂરતા વળતરના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.આ સભામાં ખેડૂત આગેવાન કારુભાઈ અમૃતિયાએ ધારાસભ્ય હાર્દિક પટેલ પર સીધા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ મીડિયામાં ખેડૂતોને 400 ટકા વળતર મળતું હોવાના જે દાવા કરી રહ્યા છે તે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. વાસ્તવિકતા એ છે કે ખેડૂતોની કિંમતી જમીનોમાં વીજ કંપનીઓ દ્વારા જોરજબરદસ્તીથી થાંભલા ઊભા કરી દેવામાં આવે છે અને તંત્ર દ્વારા પૂરતું વળતર કે સાંભળવામાં આવતું નથી.કારુભાઈ અમૃતિયા બાદ અન્ય ખેડૂત આગેવાનોએ પણ સભાને સંબોધતા જણાવ્યું હતું કે ખેતરોમાંથી 400 KV થી લઈને 1600 KV સુધીની હેવી વીજ લાઈનો નાખવામાં આવી રહી છે. આટલી હેવી લાઈનો અને ટાવરના કારણે ખેડૂતોની જમીન બિનઉપજાઉ બની રહી છે અને ખેડૂતોના જીવને પણ મોટું જોખમ રહેલું છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે વિકાસના નામે ખેડૂતોને બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે અને કંપનીઓ દ્વારા બજાર કિંમત કરતા ખૂબ જ ઓછું વળતર ચૂકવવામાં આવે છે.ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમને યોગ્ય ન્યાય અને પૂરતું વળતર નહીં મળે ત્યાં સુધી ગુજરાત સત્યાગ્રહ છાવણીનો આ સંગ્રામ ચાલુ રહેશે. આ સભામાં ગુજરાતના 22 જિલ્લાના ખેડૂતોને એકજૂથ થવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. આગેવાનોએ અપીલ કરી હતી કે જો ખેડૂતો સંગઠિત નહીં થાય અને રાજકીય પક્ષોના વાડામાં વહેંચાયેલા રહેશે, તો આવનારી પેઢીઓ માટે જમીન બચશે નહીં.#Morbi #MorbiUpdate #Rajpar #FarmersProtest #KhedutSatyagraha #HardikPatel #GujaratFarmers #MorbiNews #Agriculture #KhedutEkta