હળવદ : છેલ્લા ચાર વર્ષથી નર્મદા નિગમની માળિયા બ્રાન્ચની કેનાલ તથા ધ્રાંગધ્રા બ્રાન્ચની કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. તેમાં હળવદ તથા માળિયા તાલુકાનાં છેવાડાનાં ગામ સુધી પાણી સમયસર મળતું નથી. જેથી હવેના સમયએ કેનાલમાં પાણી વહેલાસર છોડવામાં આવે તો છેવાડાનાં ગામ સુધી સમયસર પાણી પહોંચી શકે. તેવી માંગ સાથે ખેડૂતોએ મામલતદારને રજુઆત કરી છે.રજુઆતમાં જણાવાયુ છે કે નર્મદા નિગમનાં અધિકારી પિયતનાં ફોર્મ ભરવાનું જણાવે છે. જે પિયતનાં ફોર્મ ભરવા તમામ ખેડૂતો સહમત છે પરંતુ અધિકારીનું કહેવું છે કે ગામ દીઠ ૭૦% ફોર્મ ભરાશે તો પાણીનો જથ્થો માંગવામાં આવશે. જો પહેલા કેનાલમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતો પિયતનાં ફોર્મ ભરે જો ઉપર મુજબ અધિકારી કરે તો ખેડૂતોને સમયસર પાણી મળવું મુશ્કેલ છે. બ્રાહ્મણી-ર ડેમ પર આવેલ GWIL પમ્પીંગ સ્ટેશન ચાલુ છે. અધિકારી દ્વારા અગાઉ બાહેધરી આપલે હતી કે ડેમમાં પાણી સ્ટોરેજ લેવેલ ૪ર સુધી હોય ત્યાં સુધી જ GWIL પમ્પીંગ સ્ટેશન ચાલુ રાખશે. પરંતુ અધિકારીની સૂચનાનું પાલન કંપની કરતી નથી.હાલમાં રાસાયણિક ખાતર D.A.P. અને યુરિયા સાથે અન્ય કોઈ વસ્તુ જેમ કે નેનોયુરીયા, અન્ય ખાતર ફરજીયાત આપવમાં આવે છે. તમામ વિક્રેતાઓને હુકમ કરવામાં આવે કે જો ફરજીયાતપણે કોઈ ખેડૂતોને વસ્તુ કે અન્ય કોઈ વસ્તુ આપવામાં આવશે તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી થાય. માળિયા કે હળવદ તાલુકામાંથી પસાર થતી લાકડીયા-અમદાવાદ ૭૬૫KV લાઈનનું કામ હજુ ચાલુ છે અને ટૂંક સમયમાં કામ પૂર્ણ થશે. પરંતુ હજુ સુધી અસરગ્રસ્ત લાઈનનાં ખેડૂતોને પોલ કે પાક નુકસાનનું વળતર ૧૦૦% મળેલ નથી. ખેડૂતોની વેદનાને સમજી યોગ્ય નિર્ણય અને કાર્યવાહી થાય એવી માંગ છે.