35 વર્ષ જૂની જર્જરિત 220 KV ની વીજ લાઇન ખેતરમાં તૂટી પડતાં પાક અને સિંચાઈના સાધનોને નુકસાન, ખેડૂતોએ પોલીસમાં લેખિત ફરિયાદ આપી વળતર અને પંચનામાની માંગ કરીમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન તૂટી પડવાની બે ઘટનાઓ સામે આવી છે. હળવદ તાલુકાના સરંભડા ગામે વીજ તાર તૂટી પડ્યો હતો, જ્યારે મોરબી તાલુકાના નીચી માંડલ ગામે પણ જેટકો કંપનીની 220 KV ની હાઇટેન્શન લાઇન અચાનક તૂટી પડી હતી. આ મામલે નીચી માંડલની ઘટનાને લઈ ખેડૂતોએ મોરબી તાલુકા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવીને વીજ કંપનીની ઘોર બેદરકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.નીચી માંડલ ગામના 60 વર્ષીય ખેડૂત નવલ નરભેરામ કુંડારિયા (પટેલ) દ્વારા પોલીસમાં આપવામાં આવેલી લેખિત ફરિયાદ અનુસાર, ગત તારીખ 25/08/2026 ના રોજ બપોરે આશરે 4 વાગ્યાના અરસામાં તેમના ખેતરમાંથી પસાર થતી 220 KV હાઇટેન્શન લાઇનનો જીવંત (ચાલુ) તાર ભયાનક અવાજ અને ભારે સ્પાર્કિંગ સાથે નીચે ઊભેલા પાક પર તૂટી પડ્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ ખેતરમાં કામ કરતા ખેડૂતો અને મજૂરોના જીવ પર ગંભીર જોખમ સર્જાયું હતું. વાયર તૂટી પડવાથી થયેલા સ્પાર્કિંગ અને કરંટને કારણે પાક, જમીન અને સિંચાઈના સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે.ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ 35 વર્ષ જૂની લાઇનના નિર્માણ અને મેન્ટેનન્સમાં કંપની તથા કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે અને તેનું નિયમિત ટેકનિકલ ચેકિંગ પણ કરવામાં આવતું નથી. આ ઉપરાંત સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) ના સુરક્ષા નિયમો અને કાયદાકીય માપદંડોનું પણ ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.ખેડૂતોએ લેખિતમાં માંગ કરી છે કે આ ઘટના બાબતે સંબંધિત વીજ પ્રસારણ કંપનીના જવાબદાર પ્રોજેક્ટ હેડ/એન્જિનિયર તથા લાઇન નિર્માણ અને મેન્ટેનન્સ રાખનાર કોન્ટ્રાક્ટર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ ગુનાહિત બેદરકારીનો ગુનો દાખલ કરી કડક પગલાં લેવામાં આવે. નુકસાનીનું વળતર મેળવવા માટે તાત્કાલિક પોલીસ સ્ટાફ, સરકારી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર (CEI) અને મામલતદાર દ્વારા સ્થળ પંચનામું તથા ટેકનિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ છે.આ લેખિત ફરિયાદમાં અરજદાર નવલ નરભેરામ કુંડારિયા ઉપરાંત સંયુક્ત ખાતેદાર તરીકે હરજીવન નરભેરામ પટેલ, મનુ નરભેરામ પટેલ, લવજી નરભેરામ પટેલ અને જીતેન્દ્ર પ્રાણજીવન સોરીયા જેવા અન્ય અસરગ્રસ્ત ખેડૂતોના નામ અને સર્વે નંબરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે 35 વર્ષ પહેલાં જ્યારે આ લાઇન નાખવામાં આવી ત્યારે કોઈ વળતર અપાયું ન હતું, અને હવે આ જીવલેણ લાઇન ખેતરમાંથી કાયમી ધોરણે દૂર કરવામાં આવે.#Morbi #MorbiUpdate #GETCO #FarmersIssue #MorbiNews #GujaratNews #NichiMandal #Halvad #FarmersSafety