વાંધાઅરજી ધ્યાને લીધા વગર ખેડૂતની સહમતી વગર પોલીસ બંદોબસ્તના જોરે ખેતરમાં ખાડા ખોદીને કામ શરૂ કરી દેવાયું હોવાના આક્ષેપમોરબી : માળિયા મિયાણાના જાજાસર ગામે મંજૂરી વગર વીજલાઈન માટેના પોલ નાખવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાંધા અરજી ધ્યાને લીધા વગર અને ખેડૂતોની સહમતી વગર પોલીસ બંદોબસ્તના જોરે ખેતરોમાં ખાડા ખોદીને કામ શરૂ કરવામાં આવ્યું હોવાના ખેડૂત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ખેડૂત પીઠાભાઈ પોલાભાઈ બોરીચાએ જણાવ્યું જે અગાઉ તેઓએ વાંધા અરજી આપી હતી જેમાં જણાવ્યું હતું કે આ વીજ થાંભલા નડતરરૂપ થાય તેમ છે અને જમીન એટલી બિન ઉપજાવ બની જાય તેમ છે. આ પોલને લીધે કાયમી જોખમ ઉભું થાય તેમ છે.આ જમીનમાં વીજ થાંભલા ઉભા કરવા માટે સરકારી હુકમ કરતા પહેલા તેઓને સાંભળવામા આવેલ નથી અને કોઈ રજુઆત કરવા દેવામાં આવી નથી. આ પ્રકારની વીજ પોલ ઉભા કરવાની કાર્યવાહી બંધારણીય હક્કનો ભંગ કરે છે. વધુમાં કેટલું વળતર અને કેટલા સમય માટે અપાશે તે અંગે નોટિસમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે આ વીજ પોલ નાખવાની કામગીરી દરમિયાન ખેડૂતોએ વિરોધ કર્યો હતો. પરંતુ પોલીસ બંદોબસ્ત સાથે હોવાથી ખેડૂતો અવાજ દબાઇ ગયો હતો. આ મામલે ખેડૂતો ન્યાયની માંગ કરી રહ્યા છે.