રાસંગપર ગામે કંપનીના માણસોએ મંજૂરી વગર ખેતરમાં ઘુસી ગેરવર્તન કર્યું : કંપની ખેતરોમાંથી તમામ સામાન હટાવી લ્યે તેવી માંગમોરબી : માળિયા મિયાણાના રાસંગપર ગામે હેવી વીજ લાઈન નાખવા સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. આ મામલે ખેડૂતોએ અને કોંગ્રેસે સાથે મળી વિરોધ નોંધાવવા માટે રાત્રીના સમયે માળિયા-જામનગર હાઇવે પર ચક્કાજામ શરૂ કર્યો છે. જેને પગલે હાઇવે ઉપર વાહનોની કતારો જામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મિયાણાના રાસંગપર ગામેથી અદાણી કંપનીની વીજલાઈન નીકળે છે. કંપની દ્વારા કોરિડોર બહાર કામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કામ અટકાવ્યું હતું. આ વેળાએ પોલીસ પણ બોલાવવામાં આવી હતી. ખેડૂતોના જણાવ્યા અનુસાર હજુ વળતર આપવામાં આવ્યું નથી અને કંપની દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ખેતરોમાંથી કંપની પોતાનો સામાન ખસેડી લ્યે. આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ જણાવ્યું કે અમને આ ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર, માળિયા પીઆઇ સાથે વાત કરી હતી. અમે ચીમકી આપી હતી કે સાંજે 7 વાગ્યા સુધીમાં જો કંપની પોતાનો સામાન ખેડૂતોના ખેતરમાંથી ખસેડી નહિ લ્યે તો ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાસંગપર પાસેથી પસાર થતા માળિયા જામનગર હાઇવે પર અત્યારે ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનોએ ચક્કાજામ કર્યો છે. જેમાં જિલ્લા કોગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મહેશ રાજકોટિયા, માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપ કાલરીયા, જય મેરજા સહિતના જોડાયા છે.