વીજ તંત્રની લાપરવાહીથી માળીયા સુધી પાણી ન આપતું હોવાનો પણ આરોપ : સુરેન્દ્રનગર કલેકટર, નર્મદા ઓથોરિટી તથા વીજતંત્રને આવેદન મોરબી : વરસાદ ખેંચવાની સ્થિતિમાં નર્મદા કેનાલનો લાભ મળતો હોવા છતાં માળિયાના છેવાડાના ગામડા સુધી પાણી ન પહોંચતા ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર, નર્મદા નિગમના અધિકારીઓ અને વીજ તંત્રને આવેદનપત્ર પાઠવી નર્મદા કેનાલમાં નાખવામાં આવેલા 3000 દેડકા, બકનળી અને ગેરકાયદેસર કનેક્શનના કારણે પાણી માળીયાના ખેડૂતોને ન મળતું હોવાનો આરોપ લગાવાયો છે, અને જો ત્રણ દિવસમાં પાણી નહીં પહોંચે તો હાઇકોર્ટે જવા ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે. માળીયા તાલુકાના ખાખરેચી ગામની ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર, વીજતંત્ર અને નર્મદા કેનાલ ઓથોરિટીના અધિકારીઓને લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનમાં જણાવ્યું છે કે, માળીયા તાલુકાના ખેડૂતોને નર્મદા બ્રાન્ચ કેનાલનું પાણી મળતું નથી. માત્ર હળવદ તાલુકાના ગામડા સુઘી જ પાણી પહોચે છે. જે પાણી ન પહોંચવાનું કારણ આખી કેનાલ ઉપર અનેક જગ્યાએ 3000 થી વધુ બિનકાયદેસર દેડકા હોવાનું જણાવ્યું છે. હાલમાં નર્મદા કેનાલમાં ઠેકઠેકાણે કૈનાલમાં અંદર દેડકા નાખવામાં આવ્યા છે અને વીજતંત્રની મિલી ભગતથી જ દેડકા મોટર ચાલતા હોવાનો આક્ષેપ કરી કેનાલમાં વીજળીથી દેડકા ચાલી રહ્યા છે. જેના હિસાબે માળિયાના ખેડૂતોને પિયત માટે પાણી વગર આજીવન વંચિત રહેવાની નોબત આવી હોવાનું જણાવાયું છે. વધુમાં આવા ગેરકાયદે વીજળી કનેકશન મેળવી પાણી ઉપાડવાના ધંધા બંધ ન થતા કેનાલ ઉપર વીજળીના ખુલા વાયર ઢોરઢાંખર અને માણસો માટે જોખમી બન્યા હોવાનું પણ રજુઆતમાં જણાવાયું છે. વધુમાં નર્મદા કેનાલમાંથી ગેરકાયદે પાણી ઉપાડવામાં આવતું હોવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ ચુપચાપ તમાશો નિહાળી રહ્યા છે. નર્મદા નિગમના અધિકારી તેમજ વીજતંત્રના અધિકારીઓના હિસાબે ખેડૂતોને નુકસાન વેઠવું પડી રહ્યું હોવાનું અને ખેડૂતો દ્વારા અનેક વખત આવેદનપત્ર આપી રજુઆત કરવા છતાં નક્કર પગલાં ન લેવાતા કેનાલમાં ઉલ્ટાનું પાણી આગળ વધવાના બદલે પાછું ચાલી રહ્યું હોવાનું પણ ખેડૂતોએ રજુઆતમાં જણાવ્યું છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે, નર્મદા કેનાલમાં નીચે મોટા ભૂંગરા નાખી અંડર ગ્રાઉન્ડ બકનળી નાખી દીધેલ છે અને આ હકીકત તમામ અધિકારી જાણે છે છતાં ખેડૂતોના હિત માટે કોઈ પગલાં લેતા નથી. માળીયા બ્રાન્ચ કેનાલમાં માળીયા તાલુકાનો સરખો હિસ્સો હોવા છતાં બેદારકારીના હિસાબે છેલ્લા પાંચ વરસથી ખેડૂતોને પિયતના પાણીની ખાસ જરૂર હોઈ ત્યારે જ પાણી મળતું નથી. હાલ ખેડૂતોનો મોલ સુકાઈ રહ્યો છે ત્યારે જો તંત્ર દ્વારા અસરકારક પગલાં નહીં લેવામાં આવે તો ના છૂટકે ન્યાય માટે હાઇકોર્ટનો સહારો લેવો પડશે તેવી ચીમકી ઉચ્ચેરી ત્રણ દિવસમાં સિંચાઈ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠાવી ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા રાહે લડત આપવા અને ખેડૂતો રેલી સ્વરૂપે કેનાલ ઉપર આમરણ ઉપવાસ બેસસે તેવી ચીમકી રજૂઆતના અંતમાં ઉચ્ચારી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..