મોરબી : હવામાન ખાતાની આગાહી અનુસાર મોરબી જિલ્લામાં તારીખ 6-5-2025 થી 9-5-2025 સુધી કમોસમી વરસાદની સંભાવના રહેલી છે. જે ધ્યાને લેતા નાયબ બાગાયત નિયામક, મોરબી દ્વારા બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂત મિત્રોને કમોસમી વરસાદથી બચવા માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.આ માર્ગદર્શિકા અનુસાર તૈયાર થયેલ ફળ અને શાકભાજી ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા, કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને સલામત સ્થળે ખસેડી અથવા પ્લાસ્ટીક/તાડપત્રીથી યોગ્ય ઢાંકી દેવુ અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો. ઉત્પાદન અવસ્થાના બાગાયતી પાકોનો સુરક્ષિત સંગ્રહ કરવા, બાગાયતી પાકોમાં પિયત ટાળવું. આગાહી દરમિયાન કોઈ પણ જંતુનાશક દવા, સેન્દ્રિય ખાતરો કે હોર્મોન્સના છંટકાવ કરવા નહિ, વાદળછાયું વાતાવરણ અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે. જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતાં રહેવું અને જરૂર જણાય તો ફૂગનાશક અથવા જૈવિક દવાઓનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી મોરબીનો સંપર્ક કરવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.