બે દિવસ પૂર્વે ટંકારા પોલીસે દારૂ સાથે ઝડપેલા કાર ચાલક વિરુદ્ધ વધુ એક ગુન્હો નોંધાયો ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા - પડધરી રોડ ઉપર પ્રભુનગર ગામ પાસે વાડીએથી ટ્રેકટર લઈને આવી રહેલા ખેડૂતને કાર ચાલકે પાછળથી ઠોકર મારતા ટ્રેકટર પલ્ટી મારી જતા ટ્રેકટર ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું, આ પૂર્વે ટંકારા પોલીસે આ કાર ચાલકને પીધેલી હાલતમાં 200 મીલી દારૂ સાથે ઝડપી લઈ ગુન્હો નોંધ્યો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના મિતાણા - પડધરી રોડ ઉપર પ્રભુનગર ગામ પાસે બહુચર વિદ્યાલય સામે બે દિવસ પૂર્વે તા.4 ડિસેમ્બરના રોજ GJ-36-AF-8805 નંબરના કાર ચાલકે વાડીએથી ટ્રેકટર લઈ ઘેર જઈ રહેલા દિલીપભાઈ નાનજીભાઇ ભાગીયા ઉ.44ને પાછળથી ઠોકર મારતા ટ્રેકટર પલ્ટી જતા દિલીપભાઈને ગળાના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવને પગલે મૃતક દિલીપભાઈના પિતા નાનજીભાઇ જુઠાભાઇ ભાગીયા રહે.મીતાણા (પ્રભુનગર) વાળાઓએ ટંકારા પોલીસ મથકમાં આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધ્યો છે.ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે બનેલા આ બનાવમાં ટંકારા પોલીસે GJ-36-AF-8805 નંબરની કારના ચાલક આરોપી ધનંજય શાંતિલાલ માકાસણા રહે.મોરબી નામના યુવાન કેફી પદાર્થ પીધેલી હાલતમાં પ્લાસ્ટીકની પાણી પીવાની બોટલમા આશરે 200 મી.લી જેટલુ કેફી પ્રવાહી સાથે રાખી રોડ ઉપર વાહન અકસ્માત કરી મળી આવતા પોલીસે ગુન્હો નોંધ્યો હતો.