મોરબી : તા. 3 એપ્રિલ 2025ના રોજ મોરબી તાલુકાની હજનાળી પ્રાથમિક શાળામાં ધો. 8ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બગથળા સી.આર.સી કો-ઓર્ડીનેટર વિમલભાઈ મેરજા તથા તાલુકા શાળા આચાર્ય દીપકભાઈ ઠોરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત, મિત્રતા ગીત તથા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ધોરણ 8ના વિદ્યાર્થીઓ દ્વારા આઠ વર્ષ સુધી અહીંની શાળામાં અભ્યાસ કરેલા હોય તેમના દ્વારા શાળા અને શિક્ષકો પ્રત્યે ભાવ પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના તમામ સ્ટાફ દ્વારા બધા બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા દક્ષાબેન મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અમિતભાઈ ખાંભરા દ્વારા પ્રસંગોચિત ઉદબોધન આપવામાં આવ્યું હતું અને વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા પરિવાર વતી શુભકામના પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો મોહિતભાઈ ચનિયારા, સપનાબેન પીઠડીયા, અશ્વિનભાઈ ચાવડા તથા મિલનભાઈ ડોરી તેમજ મધ્યાહન ભોજન સંચાલક સાગરભાઈ પારેજિયા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.