મોરબી : મોરબીના જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિને તાજેતરમાં જ નવા બનેલા વાવ-થરાદ જિલ્લાના કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. ત્યારે જે.એસ. પ્રજાપતિની બદલી થતાં મોરબીમાં પ્રજાપતિ સમાજ દ્વારા માનભેર વિદાય સમારોહ કરવામાં આવ્યો હતો અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.મોરબીની વરિયા બોર્ડિંગ ખાતે જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં મોરબીના સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા તેઓનું સન્માન કરાયું હતું અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. મહત્વનું છે કે, જે.એસ. પ્રજાપતિએ પોણા બે વર્ષ સુધી મોરબી જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવીને અનેક સમાજ ઉપયોગી કર્યો કર્યા છે. જેમાં ખાસ કરીને સમાજના યુવાનો યુપીએસસી, જીપીએસસી, સહિતની સ્પર્ધાત્મક પરીક્ષામાં આગળ વધે અને સફળતા મેળવે તે માટે તેઓએ સતત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારે સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા મોરબીમાંથી વિદાયમાન થઈ રહેલા જે.એસ. પ્રજાપતિનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓને સન્માનિત કરીને આગામી કારકિર્દી માટે તેઓને શુભકામના પાઠવી હતી.