અમરેલીમાં બંધ ફેકટરીના ભંગાર ખરીદી કરવા ભાગીદારી કરવાનું કહી રૂપિયા મેળવી હાથ ઊંચા કરી દીધા, જાનથી મારી નાખવાની ધમકી આપીમોરબી : મોરબી શહેરના આલાપ પાર્કમાં રહેતા અને ખેતીકામ કરતા આધેડને કૌટુંબિક સાઢુભાઈના પુત્રએ અમરેલી ખાતે આવેલ એક બંધ ફેક્ટરીનો ભંગાર ખરીદવા ભાગીદાર તરીકે રોકાણ કરાવી રૂ.1.13 કરોડ પડાવી બાદમાં હાથ ઊંચા કરી દઈ પૈસા નહિ મળે જ્યાં જવું હોય ત્યાં જાવ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા કૌટુંબિક ભાણેજે કરેલી છેતરપિંડીનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના રવાપર રોડ પર આલાપ પાર્કમાં રહેતા મૂળ મોરબીના બિલિયા ગામના વતની સંજયભાઇ આંબારામભાઈ સાણંદિયાએ આરોપી ગૌરવ જયંતીલાલ દઢાણીયા રહે.આલાપ પાર્ક -3 વાળા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ હાલમાં ખેતી કરે છે, અગાઉ પેપરમિલમાં ભાગ હોય જે ભાગીદારી છૂટી જતા તેમના કૌટુંબિક સાઢુભાઈના પુત્ર એવા આરોપી ગૌરવ સાથે ધંધાની વાત થતા આરોપીએ અમરેલી ખાતે એક બંધ કારખાનાનો ભંગાર 8 કરોડથી વધુમાં ખરીદવા નક્કી કર્યું હોવાનું અને સારો ફાયદો થશે તેમ જણાવી ભાગ રાખવો હોય તો 1.25 કરોડ રૂપિયા રોકવા જણાવ્યું હતું.જેથી ફરિયાદી સંજયભાઈએ કટકે કટકે રૂપિયા 1.13 કરોડ જમા કરાવ્યા હતા.જેમાં અમરેલી ખાતે બંધ ફેક્ટરીએ જતા રૂપિયા જમા કરાવતી વેળાએ શંકા જતા કારખાનેદારને પૂછતાં શંકાસ્પદ બાબત સામે આવતા ગૌરવને ભાગદારીના પૈસા બાબતે પૂછતાં આરોપી ગૌરવે ગલ્લાતલ્લા કર્યા હતા.બાદમાં સંજયભાઈએ ભાગીદારી છૂટી કરી પોતાના હિસાના પૈસા વ્યાજ સહિત પરત આપવા કહેતા પહેલા આરોપીએ હા પાડ્યા બાદ પૈસા નહિ મળે જે થાય તે કરી લેવા જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.હાલ એ ડિવિઝન પોલીસે ગૌરવ દઢાણીયા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.