હળવદ તાલુકાના ચરાડવા ગામે બે માસ પૂર્વે પકડાયેલ નશીલી આયુર્વેદિક શિરપમાં આલ્કોહોલ હોવાનું સામે આવતા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદપાનના ગલ્લે વેચાતી આયુર્વેદિક શિરપ દારૂનો પણ બાપ ! આલ્કોહોલ હોવાનું ખુલ્યુંહળવદ : તાજેતરમાં ખેડામાં નશીલી આયુર્વેદિક શિરપ પીવાથી પાંચ લોકોના મોત થતા લઠ્ઠાકાંડને કારણે રાજ્યભરમાં નશીલા આયુર્વેદિક શિરપના ગોરખધંધા ઉપર પોલીસ તવાઈ ઉતારી રહી છે ત્યારે હળવદ તાલુકાના ચરાડવા ગામે બે માસ પૂર્વે પકડાયેલ નશીલા આયુર્વેદિક શિરપમાં આલ્કોહોલ હોવાનો એફએસએલનો રિપોર્ટ આવતા મોરબી એસઓજી પોલીસે હળવદ પોલીસ મથકમાં પ્રથમ વખત જ આયુર્વેદિક શિરપના નામે થતા નશાના કારોબારમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે.નોંધનીય છે કે આ અગાઉ તાજા ભૂતકાળમાં જ મોરબીમાં નકલી શરાબની ફેક્ટરી ઝડપાઇ હતી તે રીતે નકલી આયુર્વેદિક શિરપમાં પણ નકલી બનાવટનો પોલીસે પર્દાફાશ કર્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમે બે મહિના પૂર્વે તા.2/9/2023ના રોજ હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મુરલીધર પાનની દુકાનના સંચાલક એવા આરોપી રાજેશ ડાયાભાઇ સોનાગ્રાના ગોડાઉનમાં દરોડો પાડી 100 ટકા હર્બલ આયુર્વેદિક ટોનિક આશ્વાસવ અને કાલ મેઘાસવ અશ્વ અરીષ્ઠા નામના નશીલા આયુર્વેદિક શીરપનો જંગી જથ્થો પકડી પાડી આ નશીલા દ્રવ્યના નમૂના લઈ એફએસએલમાં મોકલ્યા હતા. જે બાદ એફએસએલ રિપોર્ટમાં 100 ટકા હર્બલના નામે વેચાણ થતી આ બોટલમાં આલ્કોહોલ અને પ્રોપાઇલ આલ્કોહોલ હોવાનો ચોંકાવનારો રિપોર્ટ આવતા મોરબી એસઓજી પોલીસે પ્રથમ વખત જ આયુર્વેદિક ટોનિકના નામે થતા નશાના કારોબારમાં ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ અને તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે.વધુમાં મોરબી એસઓજી ટીમે નશીલા આયુર્વેદિક દ્રવ્યના વેચાણ મામલે ચરાડવાના આરોપી રાજેશ ડાયાભાઇ સોનાગ્રા, રામકો વિલેજ મોરબીના હિતેશ અમરશીભાઇ લાલુકીયા અને રાજકોટના પ્રણવ શાહ નામના આરોપીઓ વિરુદ્ધ નશીલી આયુર્વેદિક ડબલ ઘોડા તરીકે ઓળખાતી બોટલ વેચાણ કરવા સબબ પ્રોહિબિશન એક્ટની કલમ 65 એ, 65 ઈ, 116બી, 81,83,67સી, આઇપીસી કલમ 272,273, 406,465, 468,471 અને ધ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940ની કલમોં મુજબ હળવદ પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.ઉલ્લેખનીય છે કે, આયુર્વેદ અને હર્બલના નામે છેલ્લા લાંબા સમયથી ચાલતા નશાના આ કાળા કારોબારમાં મોરબી એસઓજી ટીમે ઊંડાણ પૂર્વકની તપાસ કરત ડબલ ઘોડાના નામે વેચાણ થતી આ નશીલી આયુર્વેદિક પ્રોડકટની બોટલ ઉપર આવેલ સરનામે વડોદરા ખાતે તપાસ કરતા આવી કોઈ ફેક્ટરી જ ન હોવાનું અને અગાઉ ઈશ્યુ થયેલ લાયસન્સ પણ રદ થઈ ગયું હોવાનું તેમજ હળવદના ચરાડવા ગામના રાજેશ ડાયાભાઇ સોનગ્રાને મોરબીનો શખ્સ 70 રૂપિયામાં હોલસેલ ભાવે આ બોટલ રાજકોટના પ્રણવ શાહ પાસેથી મેળવી વેચાણ કરતો હોવાનું અને રાજેશ સોનાગ્રા આ બોટલ 100થી 150માં વેચતો હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે.સૌથી અગત્યની બાબત એ છે કે સમગ્ર રાજ્યમાં ફેલાયેલા આ નશીલા આયુર્વેદિક ગોરખધંધામાં નકલી શરાબની જેમ આયુર્વેદિક પીણું પણ નકલી હોવાનું અને અત્યાર સુધીમાં પોલીસે જ્યાં જ્યાં દરોડા પાડી નશીલા પદાર્થ પકડ્યા તેમાં પુરાવાના આભાવે ક્યાંય પણ પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી જયારે ચરાડવામાં પકડાયેલ નશીલા આયુર્વેદિક પીણા મામલે રાજ્યમાં કદાચ પ્રથમ વખત જ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી કૌભાંડના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ થયો હોવાનું ફલિત થયું છે.