ટંકારા : ટંકારા નગરપાલિકા વિસ્તારને સ્વચ્છ, સુંદર અને સુવિધાયુક્ત બનાવવા માટે પાલિકા તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં લાંબા સમયથી કચરાના ઢગલા રહેતા હતા, તેવા 8 જેટલા જી.વી.પી. (Garbage Vulnerable Points) સ્થળોને ચિહ્નિત કરી ત્યાં કાયમી સ્વચ્છતા અને જનસુવિધા ઊભી કરવાની કામગીરી તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે.નાગરિકોને સુવિધા આપવા પાલિકાનો નિર્ણયનગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને રહેણાક વિસ્તારોમાં પડતી અગવડતાઓને દૂર કરવા માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર કચરો હટાવવાનો જ નથી, પરંતુ તે જગ્યાનો એવો ઉપયોગ કરવો જેથી ત્યાં ફરીથી ગંદકી ન થાય અને નાગરિકોને સુવિધા મળે.8 સ્થળે સુવિધાઓ ઉભી કરાશેટંકારાના એવા 8 પોઈન્ટ્સ પસંદ કરાયા છે જ્યાં લોકો અવારનવાર કચરો ફેંકતા હતા આ સ્થળો પરથી કચરો દૂર કરી, ત્યાં જરૂરિયાત મુજબ પેવર બ્લોક, બેસવા માટેના બાંકડા અથવા અન્ય સુવિધાઓ વિકસાવવામાં આવશે. ગંદકીને કારણે ફેલાતી દુર્ગંધ અને બીમારીઓ સામે આ પગલું આશીર્વાદરૂપ સાબિત થશે.ટંકારાને ગંદકી મુક્ત કરવાનું આયોજનઆ અંગે ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, 'અમારો હેતુ ટંકારાને ગંદકી મુક્ત કરવાનો છે. જે સ્થળોએ કચરો ફેંકવાની વર્ષો જૂની સમસ્યા હતી, ત્યાં હવે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અમે મક્કમ છીએ. લોકોના સહકારથી ટંકારા એક આદર્શ શહેર બનશે.' અભિયાનમાં સહયોગ માટે અપીલચીફ ઓફિસરની આ સક્રિયતાને પગલે સ્થાનિક રહીશોમાં ખુશી જોવા મળી રહી છે. નગરપાલિકા દ્વારા લેવાયેલા આ નિર્ણયથી હવે રસ્તાઓ ખુલ્લા થશે અને શહેરનો દેખાવ પણ સુધરશે. તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ નિર્ધારિત સમયે આવતા વાહનમાં જ કચરો નાખે અને આ અભિયાનમાં સહયોગ આપે.