સરકારી કર્મચારીઓને જુલાઈ અને ઓગસ્ટ મહિનાના એરિયર્સની રકમ પણ બે ભાગમાં ચુકવવામાં આવશે મોરબી : રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારી, કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં ૧૧ % નો વધારો કરી ૨૮ % ના ધોરણે ચુકવવાની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે. વધુમાં આ ભથ્થું ચાલુ માસના પગાર સાથે ચુકવવામાં આવશે તેવું જણાવાયું છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, ભારત સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ જાહેરાત પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારી અધિકારીઓ અને પેન્શનરોને અત્યાર સુધી ૧૭ % મોંઘવારી ભથ્થુ આપવામાં આવતું હતું. જેમાં ૧ લી જુલાઇ થી ૧૧ % નો વધારો કરી ૨૮ % ના ધોરણે મોંઘવારી ભથ્થુ ચુકવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર હંમેશા પ્રણાલિકાગત રીતે મોંઘવારી ભથ્થાની બાબતમાં ભારત સરકાર જે ધોરણે તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ આપે છે તેને અનુસરે છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, મોંઘવારી ભથ્થાના આ વધારાનો અમલ સપ્ટેમ્બર માસના પગાર સાથે ચુકવવામાં આવશે. જ્યારે જુલાઇ માસથી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના એરીયર્સની રકમનું ચુકવણું ઓક્ટોબર માસના પગાર સાથે કરવામાં આવશે અને ઓગસ્ટ માસના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના એરીયર્સની રકમનું ચુકવણું જાન્યુઆરી-૨૦૨૨ ના પગાર સાથે કરવામાં આવશે. આ નિર્ણયના કારણે રાજ્ય સરકારને દર મહિને અંદાજે રૂ.૩૭૮ કરોડનો નાણાકીય બોજો આવશે. આ નિર્ણયનો લાભ અંદાજે કુલ-૯,૬૧,૬૩૮ જેમાં રાજ્ય સરકારના ૫,૧૧,૧૨૯ જેટલા અધિકારી/ કર્મચારીઓ/પંચાયતના કર્મચારીઓ અને ૪,૫૦,૫૦૯ જેટલા પેન્શનરોને મોંઘાવારી ભથ્થાના વધારાનો લાભ મળશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..