મોરબી : મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી-જુદી વિદ્યાશાખામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે.મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે હરહંમેશ શિરમોર તથા અગ્રગણ્ય કહી શકાય એવી શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર. ઓ. પટેલ મહિલા કોલેજની Bachelor of Commerceની વિધાર્થિની પડસુંબિયા શ્રુતિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોમર્સ વિદ્યાશાખામાં સેમેસ્ટર 5માં યુનિર્વિસટી કક્ષાએ ચોથો નંબર અને મોરબી જિલ્લામાં પ્રથમ નંબર, પરમાર વંદના ગોવિંદભાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કક્ષાએ પાંચમો અને મોરબી જિલ્લામાં દ્વિતીય નંબર તથા સાણંદિયા સુરભી રમેશભાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કક્ષાએ સાતમો અને મોરબી જિલ્લામાં તૃતીય નંબર મેળવી કોમર્સ વિદ્યાશાખામાં પોતાના નામનો ડંકો સમગ્ર મોરબી જિલ્લામાં વગાડ્યો છે. Bachelor of Computer Application (BCA) માં સેમેસ્ટર 5માં ભાગિયા ધ્રુવી રમેશભાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કક્ષાએ ચોથો નંબર અને મોરબી જિલ્લામાં પ્રથમ નંબર તથા મારૂ ધારા પ્રવિણભાઇએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કક્ષાએ છઠ્ઠો અને મોરબી જિલ્લામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી કમ્પ્યુટર વિદ્યાશાખામાં પોતાનું નામ સમગ્ર મોરબી જિલ્લામાં ગુંજતું કર્યું છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી વિદ્યાશાખાઓની સરખામણીએ કોમર્સ વિદ્યાશાખામાં સ્ટુડન્ટ્સ સંખ્યા સૌથી વધુ જોવા મળે છે અને આટલી વિશાળ સંખ્યામાં મોરબીની સામાન્ય પરિવારની દીકરીઓએ કોઈ પણ પ્રકારના ટ્યુશન ક્લાસ વગર પોતાના આપબળે યુનિવર્સિટી કક્ષાએ ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરવું ખૂબ જ મુશ્કેલ કહી શકાય. કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફર, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, વાણિજ્ય વિદ્યાશાખાના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા તથા સર્વે કોમર્સ અને કમ્પ્યુટર સ્ટાફગણ તરફથી ઉપરોક્ત તમામ વિદ્યાર્થીનીને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.