પીપળી-2 મતદાન મથકના બીપ સાઉન્ડ ન આવતા 10 મિનિટ સુધી મતદાન બંધ રહ્યું મોરબી : મોરબી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોકપોલથી ઇવીએમમાં ખોટકાની મોકાણ શરૂ થયા બાદ બપોરે જિલ્લા પંચાયતની મહેન્દ્રનગર બેઠક હેઠળ આવતા મતદાન મથકમાં ઈવીએમ હાંફી રહ્યું હતું અને બિપર કામ ન કરતું હોય મતદાનમાં દસ મિનિટના વિક્ષેપ વચ્ચે આ ઇવીએમને બદલવું પડ્યું હતું. જિલ્લા પંચાયતની મહેન્દ્ર નગર બેઠક હેઠળ આવતા પીપળી-2 મતદાન મથકમાં ઇવીએમમાં ફોલ્ટ સર્જાતા બીપનો સાઉન્ડ રૂંધાઇ ગયો હતો જેથી ફરજ ઉપરના ચૂંટણી સ્ટાફે તુરંત જ ઝોનલ અને ચૂંટણી અધિકારીને જાણ કરતા દશેક મિનિટમાં આ ઈવીએમ બદલાવી નાખવામાં આવ્યું હતું.ઇવીએમના કારણે આ બેઠકમાં દસ મિનિટ સુધી મતદાન ખોરવાયું હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.