ઉદ્યોગો અને કોમર્શિયલ વીજ કનેક્શન કરતા રહેણાંક મકાનોમાં વીજ ચોરીનું પ્રમાણ ખતરનાક હદે વધ્યુંમોરબી : વીજળીના વધતા જતા ભાવો વચ્ચે મોરબી જિલ્લામાં વીજચોરીનું દુષણ વધ્યું છે, ગતવર્ષની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવામાં હજુ એક મહિનાથી વધુ સમય બાકી હોવા છતાં પણ ચાલુ વર્ષમાં ગત વર્ષના 12 કરોડના વીજચોરીના આંકડાને વટાવે તેવી વીજચોરી પકડાઈ રહી હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે અને નવાઈની વાત એ છે કે ઉદ્યોગો અને કોમર્શિયલ વીજ કનેક્શન કરતા રહેણાંક મકાનોમાં વીજ ચોરીનું પ્રમાણ ખતરનાક હદે વધ્યું છે.પશ્ચિમ ગુજરાત વીજ કંપની મોરબી વર્તુળ હેઠળ આવતા મોરબી જિલ્લાના પાંચ તાલુકાઓમાં છેલ્લા એક વર્ષમાં વીજચોરીનું પ્રમાણ ભયાનક રીતે વધવા પામ્યું છે, ગત વર્ષે વીજ તંત્ર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન કુલ મળી 5627 કિસ્સામાં રૂપિયા 1232.55 લાખની વીજ ચોરી પકડી હતી જેમાં રહેણાંક મકાનોમાં 4498 કિસ્સામાં 571.97 લાખની વીજચોરી, કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રિયલમાં 771 કિસ્સામાં 619.94 લાખની વીજચોરી અને ખેતીવાડીમાં 358 કિસ્સામાં 40.64 લાખની વીજચોરી પકડી હતી.જયારે ચાલુ નાણાકીય વર્ષમાં મોરબી પીજીવીસીએલ સર્કલમાં રહેણાંક મકાનોમાં 3722 કિસ્સામાં 578.52 લાખની વીજચોરી, કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રિયલમાં 1000 કિસ્સામાં 546.29 લાખની વીજચોરી અને ખેતીવાડીમાં 339 કિસ્સામાં 55.15 લાખની વીજચોરી જાન્યુઆરી માસ સુધીમાં પકડી પાડવામાં આવી છે અને હજુ પણ ફેબ્રુઆરી અને માર્ચ એમ બન્ને મહિના બાકી હોય હજુ પણ મોટાપાયે વીજચોરી પકડાઈ તેવા સંકેતો મળી રહ્યા છે. નોંધનીય છે કે ગતવર્ષની તુલનાએ ચાલુ વર્ષમાં ઔદ્યોગિક અને કોમર્શિયલ વીજચોરીના કિસ્સા વધ્યા છે પરંતુ દંડ ઘટ્યો છે અને રહેણાંકમાં વીજચોરીના કિસ્સા ઘટવા છતાં દંડ વધ્યો છે તે જોતા મોરબી જિલ્લામાં વીજચોરીનું દુષણ વધ્યું હોવાનું ફલિત થઇ રહ્યું છે.