ટંકારા, હળવદ અને વાંકાનેરમાં પણ વરસાદી માહોલ જામ્યો મોરબી : મોરબી જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં આજે મેઘરાજા દે ધનાધન વરસ્યા છે. ઘણા દિવસોથી રિસાયેલા વરુણદેવે અંતે આજે રિઝીને હેત વરસાવતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ઉપરાંત વરસાદને કારણે વાતાવરણ પણ એકદમ ઠંડક ભર્યું થઇ જતા બફારામાંથી પણ છુટકારો મળ્યો છે. મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજા મન મૂકીને વરસે તેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી. અંતે મેઘરાજાએ આજે કૃપા વરસાવી છે. મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદમાં આજે સાંજે 6 વાગ્યાના અરસાથી મેઘરાજાએ સટાસટી બોલાવવાનું શરૂ કર્યું છે. વીજળીના કડાકા- ભડાકા સાથે વરસાદી માહોલ જામતા ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ભાદરવા મહિનાના પ્રારંભે જ મેઘરાજાએ તોફાની ઇનિંગ શરૂ કરી હોય તેવા અણસાર મળી રહ્યા છે. જો કે છેલ્લા ઘણા સમયથી વરસાદના અભાવે દુષ્કાળના ભણકારા વાગી રહ્યા હતા. પરંતુ હવે મેઘરાજા રહી રહિને છેલ્લી ઘડીએ મન મુકીને વરસી ખેડૂતોની મુરઝાયેલી મોલાતને જીવનદાન આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે મોરબી, વાંકાનેર, હળવદ અને ટંકારામાં ભારે વરસાદ શરૂ થતા ઠેર ઠેર પાણી ભરાયા છે. વીજળીના કડાકા ભડાકા સાથે ઓચિંતા વરસાદની સટાસટી બોલતા લોકો પણ સ્તબ્ધ બન્યા હતા. ઉપરાંત ઘણા સમયથી વરસાદની રાહ જોતા લોકોએ વરસાદમાં નાહવાની પણ મજા માણી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..