લીલાપર રોડ ઉપર રબારીવાસ નજીક ગત રાત્રીના ત્રણ કલાક સુધી ટીસીમાં ભડકા થયા મોરબી : મોરબી શહેરના લીલાપર રોડ ઉપર રબારીવાસ નજીક ગત રાત્રીના ત્રણ કલાક સુધી ટીસીમાં ભડકા થયા હોવા છતાં પણ પીજીવીસીએલ તંત્રના જવાબદાર કર્મચારીઓ ઘટના સ્થળે ન ફરકતા લોકોને ઉજાગરો કરવો પડ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે મોરબી શહેરના લીલાપર રોડ ઉપર રબારીવાસ નજીક આવેલી સાર્વજનિક શાળાની બાજુમાં વીજ તંત્રના ટ્રાન્સ્ફોર્મરમાં ધડાકા ભડાકા સાથે આગ ભભુકતા સ્થાનિક લોકોએ પીજીવીસીએલની જાણ કરી હતી. ટીસીમાં આગ લગતા આ વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ જવા પામી હતી. જો કે, આ ઘટનામાં પીજીવીસીએલની ગંભીર લાપરવાહી છતી થઈ હતી અને ત્રણ ત્રણ કલાક સુધી ટીસી સળગતું હોવા છતાં પણ પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતા લોકોને રાત્રીના ગરમી સહન કરવી પડી હતી.