સ્ટાફ હાજર ન હોવા ઉપરાંત હોસ્પિટલના અધિકારીઓ પણ જવાબ ન આપતા સિનિયર સિટીઝનોને હાડમારી મોરબી : મોરબી સીવીલ હોસ્પિટલની વધુ એક લાલીયાવાડી સામે આવી છે. જેમાં આજે મોરબીની સિવિલ હોસ્પિટલમાં કેસબારીએ સ્ટાફ ઘેરહાજર હોવાથી દવા લેવા આવેલા વૃદ્ધો મુશ્કેલીમાં મુકાયા હતા. તેમાંય હોસ્પિટલમાં જવાબદાર અધિકારીઓ પણ સંવેદના ચુકી ને કોઈ જવાબ ન આપતા વૃદ્ધો માટે જાયે તો જાયે કહાં જેવી કપરી હાલત સર્જાઈ હતી. મોરબીના એક જાગૃત નાગરિકે સિવિલ હોસ્પિટલની અક્ષમ્ય બેદરકારી મામલે ઉગ્ર આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં આજે બપોરે કેસબારી તો ખુલી હતી. પણ સ્ટાફના જ દર્શન દુલર્ભ હતા. મોડે સુધી કેસબારીએ કોઈ સ્ટાફ આવ્યો જ ન હતો.બીજી તરફ 15 થી વધુ અશક્ત વૃદ્ધો દવા લેવા માટે સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા અને ડોક્ટરને બતાવતા પહેલા કેસ કઢાવવો જરૂરી હોય કેસબારીએ ગયા હતા. પણ મોડે સુધી સ્ટાફ જ હાજર ન હોવાથી લાઈનમાં ખાસ્સો સમયથી ઉભેલા વૃદ્ધોની હાલત કફોડી થઈ ગઈ હતી. મોરબી સિવિલ હોસ્પિટલના સ્ટાફની આવી ઘોર બેદરકારી છતાંય હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ પણ માનવતા નેવે મૂકીને કોઈ જવાબ ન આપતા દર્દીઓ હાલત કપરી થઈ ગઈ છે. તેથી આ બાબતે નિષ્ઠાવાન ઉચ્ચ અધિકારીઓ કે પદાધિકારીઓ સિવિલ હોસ્પિટલના પેધી ગયેલા સ્ટાફને ફરજનું ભાન કરાવે તેવી માંગ ઉઠી છે.