સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી પરંતુ તંત્રના પેટનું પાણી ન હલ્યું, મુખ્યમંત્રી આવતા હોવાથી કામગીરી શરૂ કરીમોરબી : મોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવાના હોય રોડ રસ્તાની હાલત ચકાચક કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવામાં આવી છે. આજ રોજ મોરબીના રવાપર ગામ પાસેનો રસ્તો રિપેર કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, રવાપર ગામ પાસેનો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. સ્થાનિકોએ રસ્તો રિપેર કરવા અનેક વખત રજૂઆતો કરી હતી. ઉપવાસ આંદોલનો પણ કરવામાં આવ્યા હતા અને ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો. જો કે તેમ છતાં તંત્ર દ્વારા રસ્તાનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ આજે અચાનક જ મુખ્યમંત્રી આવવાના હોય રસ્તાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.લોકો જણાવી રહ્યા છે કે, અનેક વખત આ રસ્તો રિપેર કરવા માટે રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરંતુ મુખ્યમંત્રી આવવાના હોવાથી અચાનક જ તંત્ર દોડતું થયું હતું અને બિસ્માર હાલતમાં રહેલા રસ્તાનું રિપેરિંગ કામ શરૂ કર્યું હતું. ત્યારે એક તરફ લોકો તંત્રની કામગીરી સામે સવાલો પણ ઉઠાવી રહ્યા છે અને બીજી તરફ રસ્તાનું રિપેરિંગ કામ શરૂ થતાં હાશકારો પણ અનુભવી રહ્યા છે.