વરસાદ બંધ થયાના 24 કલાક બાદ પણ અહીં પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ : મહાપાલિકા કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપમોરબી : મોરબીમાં ગઈકાલે સાંજ સુધીમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યા બાદ છેલ્લા 24 કલાકથી વરસાદે વિરામ લીધો છે. આમ છતાં અનેક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા નથી. નવલખી રોડ નજીક આવેલા લાયન્સનગર વિસ્તારમાં હજુ પણ ગોઠણસમા પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગટર અને પાણીના નિકાલની સમસ્યાથી લોકો પરેશાનસ્થાનિક મહિલાઓ અને આગેવાનોએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અહીં 200 થી વધુ ઘરો આવેલા છે. છેલ્લા 10 થી 15 વર્ષથી ચોમાસામાં આ જ પરિસ્થિતિ સર્જાય છે. રેલવે તરફથી આવતું પાણી અને જલારામ ફ્લેટ પાસે થયેલા બાંધકામ તથા રસ્તાઓ બ્લોક થવાને કારણે પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે. પરિણામે ઘરોમાં અને શેરીઓમાં પાણી ઘૂસી ગયા છે. ગંદા પાણી અને દુર્ગંધને કારણે બાળકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત છે.211 ગાડી મોરમ ક્યાં ગઈ? કોર્પોરેટરો અને તંત્ર સામે આક્રોશલોકોનો આક્ષેપ છે કે વોર્ડ નંબર 2 ના કોર્પોરેટરો પરબતભાઈ અને મનુભાઈનો સંપર્ક કરવા છતાં તેઓ કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી અને એકબીજા પર ખો આપે છે. સ્થાનિકોનું કહેવું છે કે કાગળ પર 211 ગાડી મોરમ નાખવામાં આવી હોવાનું દર્શાવાયું છે, પરંતુ વાસ્તવમાં અહીં એક પણ ગાડી મોરમ નાખવામાં આવી નથી. મહાપાલિકામાં 5 દિવસ પહેલા રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી કે નેતા અહીં ડોકાયા નથી.નવલખી ફાટક પર ચક્કાજામની ચીમકીતંત્રની ઘોર બેદરકારીથી કંટાળીને સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો કલેક્ટર, મેયર કે કોર્પોરેટરો દ્વારા તાત્કાલિક ધોરણે લેવલિંગ કરી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો તેઓ નવલખી ફાટક પાસે જઈને ઉગ્ર ચક્કાજામ કરશે. રોષે ભરાયેલા તમામ સ્થાનિકો એકઠા થઈને નવલખી ફાટક તરફ વિરોધ પ્રદર્શન કરવા અને રસ્તો રોકવા માટે રવાના થયા હોવાનું જણાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #Rain #WaterLogging #Protest #LionsNagar #MorbiNews #GujaratRain #Monsoon2026