ઓનલાઈન લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાની સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાતા અનેક પેન્શનર્સનું પેન્શન અટક્યું હોવાની રાવગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા પેન્શનર્સની સુવિધા માટે શરૂ કરાયેલી ઓનલાઈન લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાની સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાતા અનેક પેન્શનર્સને સપ્ટેમ્બર મહિનાનું પેન્શન મળ્યું નથી. કલ્પેશભાઈ પંડ્યાના જણાવ્યા અનુસાર સરકારે પેન્શનર્સને બેંકમાં જઈને લાંબી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ આપવા માટે આ વર્ષે ઓનલાઈન સર્ટિફિકેટ અપલોડ કરવાની સુવિધા શરૂ કરી હતી. પરંતુ, 1 સપ્ટેમ્બર, 2025ના રોજ પેન્શન જમા થવાના દિવસે, રાજ્યભરમાં 30 ટકાથી વધુ પેન્શનર્સના ખાતામાં પેન્શન જમા થયું નહોતું. જ્યારે પેન્શનર્સે બેંક અને ટ્રેઝરી ઓફિસનો સંપર્ક કર્યો, ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમનું લાઈફ સર્ટિફિકેટ સિસ્ટમમાં અપડેટ ન થવાને કારણે પેન્શન અટકાવવામાં આવ્યું છે.પેન્શનર્સે ઓનલાઈન સર્ટિફિકેટ સબમિટ કર્યાની રસીદ બતાવતા, અધિકારીઓને સમજાયું કે ઓનલાઈન ડેટા સિસ્ટમમાં યોગ્ય રીતે ફેચ થયો નથી. આ કારણે, ઘણા પેન્શનર્સને ફરીથી બેંકમાં જઈને શારીરિક રીતે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાની ફરજ પડી છે.તહેવારોના સમયમાં આર્થિક તકલીફનો સામનો કરી રહેલા વડીલોમાં આ ઘટનાથી ભારે નિરાશા અને અસંતોષ ફેલાયો છે. ઘણા પેન્શનર્સ જેઓ બહારગામ રહે છે તેમને માટે તાત્કાલિક બેંકમાં જઈને આ પ્રક્રિયા ફરીથી કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. પેન્શનર્સની સંસ્થાઓએ માંગ કરી છે કે તાત્કાલિક આ ટેક્નિકલ સમસ્યા દૂર કરી તમામ પેન્શનર્સનું અટકેલું પેન્શન તાત્કાલિક જમા કરવામાં આવે.