મોરબી : ભારત સરકારના યુવા કાર્યોને અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર દ્વારા મોરબી ખાતે નશા મુક્તિ માટે એક વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે આજકાલ યુવા વર્ગમાં અફીણ જેવા નશાના વ્યસનોથી યુવાનોને નશા મુક્ત જીવન તરફ પ્રેરિત કરવા નશા મુક્તિ કાર્યક્રમ અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય કાંતિલાલભાઈ અમૃતિયા, મોરબી જ્ઞાન પ્રાર્થના પ્રિન્સિપાલ તેમજ ટ્રસ્ટી મોહિતભાઈ પટેલ, નેહરુ યુવા કેન્દ્રના દર્શનાબેન પરમાર, નશાબંધી ખાતાના પીએસઆઇ નિધિ મેદપરા, તેમજ પારુલ મહિલા મંડળના રંજનબેન, પારુલબેન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, યુવાનો નશાની આદતોમાં ફસાઈ રહ્યા છે, માટે આપણે સહુએ એકસાથે મળીને આવા નશાખોરોને નશાની આદતોથી મુક્ત કરાવવા પ્રચાર અને સમજૂતી ફેલાવવી જોઈએ. આ રેલી અને કાર્યક્રમ દ્વારા આપણે નશા મુક્તિનો આ દ્રષ્ટિકોણ આપણે સૌએ યુવાનોને સકારાત્મક દિશામાં દોરવાનો પ્રયત્ન કરવો જોઈએ.નેહરુ યુવા કેન્દ્રના દર્શનાબેન પરમારે કહ્યું હતું કે, નશાની આદતો છોડી સ્વસ્થ જીવન જીવવું અત્યંત જરૂરી છે. સરકારની પ્રતિબદ્ધતા છે કે, યુવા પેઢી માટે એજ્યુકેશન અને માર્ગદર્શન આપીને તેમને નશાની ખરાબ આદતોથી બચાવવાનો પ્રયત્ન કરીએ. પીએસઆઇ નિધિબેન મેદપરાએ નશામુક્તિના અભિયાન અંગે સરકારની કામગીરી અને કાયદા વિશે સમજ આપી હતી. મોરબી જ્ઞાન પ્રાર્થના પ્રિન્સિપાલ તેમજ ટ્રસ્ટી મોહિતભાઈ પટેલે નશા મુક્ત જીવન માટે આપણે સક્રિય પ્રયાસો કરવા આહવાન કરીને નશા મુક્ત જીવન માટે સંકલ્પ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં હાજર તમામ મહેમાનોએ નશાની આદતોને દૂર કરવા અને યુવાનોને સ્વસ્થ જીવન તરફ પ્રેરિત કરવાના અગત્યના સંદેશો આપ્યો હતો. તેમજ વિજેતા સ્પર્ધકો તેમજ ભાગ લેનાર તમામને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે નેહરુ યુવા કેન્દ્રના ઓફિસર રાજેશભાઈ રાઠોડે નહેરુ યુવા કેન્દ્ર ભારત સરકાર દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોની માહિતી આપતા જણાવ્યું હતું, 'નેહરુ યુવા કેન્દ્ર સમગ્ર દેશમાં યુવાનો માટે વિવિધ કાર્યક્રમો આયોજિત કરે છે, જેમા નશા મુક્તિ, શિક્ષણ, આર્થિક વિકાસ અને સામાજિક ચેતના જેવા વિષયો પર કામ કરવામાં આવે છે. અમારા કાર્યક્રમોનું હેતુ માત્ર યુવાનોને નશાની બૂરાઈથી બચાવવાનું જ નથી, પરંતુ તેમને સશક્ત અને સુખી જીવન જીવવા માટે માર્ગદર્શન આપવાનો છે. આ કાર્યક્રમ પણ એ જ લક્ષ્ય તરફ એક મહત્વપૂર્ણ કદમ છે.'આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યશ રાઠોડ, હેમાંગી ચૌહાણ, નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવક દર્શના પરમાર, ઈશિતાબેન, દ્રષ્ટિ, નિરાલી તેમજ સ્કૂલના ટીચર ગણ વગેરે જેહમત ઉઠાવી હતી.