વરસાદમાં મોટા ભાગના રસ્તાઓમાં જીવલેણ ખાડાઓ પડતા વાહન ચાલકોની મુશ્કેલી વધી મોરબી : મોરબીમાં ફરી એકવાર વરસાદે તંત્રની આબરૂને ધૂળધાણી કરી નાખી હતી. ખાસ કરીને છેલ્લા બે દિવસથી પડેલા સતત વરસાદમાં પણ તંત્રની પોલમપોલ ઉઘાડી પડી હતી. ખાસ કરીને હમણાં જ નવા બનાવેલા મોર્ગોને વરસાદે ધોઈ નાખતા તંત્ર શરમજનક સ્થિતિ મુકાય ગયું છે. એકંદરે સતત વરસાદમાં મોટાભાગના માર્ગોની ખરાબ હાલત થઈ હતી. જોકે તંત્ર દ્વારા હંગામી ધોરણે કપચી નાખીને ખાડાઓ બુરવાનું કામ ચાલુ કર્યું છે. મોરબીમાં દરેક વખતે સારા અને ટકાઉ માર્ગો બનાવ્યાનો ડીંગો હાકયે જતા પાલિકા તંત્રને વરસાદ તેની અસલી ઔકાત બતાવી દે છે અને રોડ બનાવની કામગીરીમાં તંત્ર લોટ પાણીને લાકડા કરતું હોવાની તેની આ દાંતનને વરસાદ ખુલ્લી પાડી દે છે. આમ છતાં તંત્ર પોતાની ખો ભૂલતું નથી અને રોડ બનાવવાની કામગીરી લોલમલોલ ચલાવ્યે જ જાય છે ત્યારે વધુ એક વખત વરસાદે તંત્રની ખો ભુલાવી દીધી છે. છેલ્લા બે દિવસમાં સતત પડેલા વરસાદથી શહેરના મોટાભાગના રોડ ધોવાઈ ગયા છે. જોકે ગંભીર બાબત એ છે કે હમણાં નવા બનાવેલા માર્ગો પર ધોવાઈ ગયા છે. જો સારા અને મજબૂત માર્ગો બનાવ્યા હોય તો ભારે વરસાદમાં પણ આવા રોડને કોઈ અસર ન થાય એના બદલે આ નવા રોડ ધોવાયા છે એનો મતબત એ છે કે નવા રોડના કામ યોગ્ય રીતે કરવામાં આવ્યા નથી. વરસાદે ફરી એક વખતે તંત્રનું ભોપાળુ છતું કરી દીધું છે અને તમામ માર્ગોની ખરાબ હાલત થઈ છે. એમાં નવા બનેલા માર્ગો પણ બાકાત રહ્યા નથી. બે મહિનામાં નવા બનાવેલા ગાંધીચોકથી રવાપર રોડ ધૂળધાણી થઈ ગયો છે. આ ઉપરાંત ગાંધીચોકથી શનાળા રોડ, નવા ડેલા રોડ ફૂટ ફૂટ ના ગાબડાં પડી ગયા છે. સામાકાંઠે હાઉસિંગ સર્કલથી આગળ ગોપાલ સોસાયટીના નાકે ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી ગયું છે અને રોડ ઉપર ખાડા પડી ગયા છે. તેમજ સામાકાંઠે મહારાણા પ્રતાપ બાજુંએ જવાના રસ્તે પણ મસમોટો ખાડો પડી ગયો છે. આમ ધીમધારે પડેલા વરસાદમાં પણ રોડ ઉપર ઠેરઠેર ખાડા પડી ગયા છે. જો કે હાલ તંત્ર દ્વારા રસ્તાઓ પર પડી ગયેલા ખાડાઓમાં હંગામી ધોરણે કપચી નાખી રોડની સાથે ધોવાયેલી પોતાની આબરૂને થિંગડા મારવાની કાર્યવાહી શરૂ કરી છે.