માળીયા તાલુકામાં અનેક જગ્યા પાણી ભરાવાથી તારાજી સર્જાઈ, અનેક કોઝવે, રસ્તાઓનું ધોવાણ, વીજપોલ પડી ગયા, રોડ-રસ્તાઓ બ્લોક માળીયા (મી.) : માળિયા મીયાણા તાલુકામાં છેલ્લા 2 દિવસમાં પડેલા ભારે વરસાદ અને મચ્છુ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ભારે ખાનાખરાબી અને તારાજી સર્જાઈ છે. અનેક ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકોને ભારે નુકશાન થયું છે. જ્યારે અનેક કોઝવે, રસ્તાઓનું ધોવાણ થતા વીજપોલ પડી ગયા છે. માળીયા તાલુકામાં નવલખી પોર્ટ, હરીપર અને ફતેપર ત્રણ જગ્યા મળી ટોટલ 20 વિજપોલ નમી ગયા છે. તથા હજુ પણ માળિયા શહેરના જખરીયા વાંઢમાં પાણી ઓસર્યા નથી. જેમના કારણે હાલ ત્યાં વિજ પુરવઠો બંધ છે. અને બાકીના માળિયાના તમામ ગામો અને શહેરના તમામ વોર્ડમાં વિજ પુરવઠો ચાલુ કરી દેવાયો છે. વધુમાં, માળીયા-કચ્છ હાઈવે, ખાખરેચીથી વેણાસર રોડ, ખાખરેચીથી ઘાટીલા રોડ, સુલતાનપુરથી ચીખલી વરડુસર, માળિયાથીં અંજીયાસર, માળિયાથી કાજરડા રોડ, વિરવિદરકા મોરબી હાઇવે નાલામા ભંગાણના કારણે રસ્તો બંધ રહ્યો હતો. સરવડ ગામનુ તળાવ ઓવરફલો થતા ગામની ફરતે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સરવડથી ભેલાને જોડતો બેઠો પુલ પર પાણી સપાટી વટાવી જતાં ભાવપર બગસરા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. વવાણીયા ચમનપર કોઝવે ઓવરફલો થતા રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો. નાના દહિસર વિરપરડા વચ્ચે કોઝવે ટુટી જવા પામ્યો હતો. મોટા દહીસરા ખીરસરા કોઝવે પર વધુ પાણી આવી જતા ખીરસરા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. ઝીંઝુડા બોડકી વચ્ચે કોઝવેમા પાણી આવી જતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે જાજાસર ગામ પાસેનો ચેકડેમ ધોવાણ થતાં જાજાસર દેવગઢને જોડતા પાકા રસ્તા ને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ હતું અને પાકો સિમેન્ટ કોઝવેમા ગાબડા પડતા વાહનવ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે. મોરબી મચ્છુ નદીના પાણી અને ભારે વરસાદના કારણે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ઉભા મોલને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે. સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી નુકસાનીનો અંદેશો મેળવવા આવે તેવી ખેડૂતો માંગણીઓ કરી રહ્યા છે. માળિયા મીયાણા શહેરના લોકોના જણાવ્યા અનુસાર માળિયા કચ્છ હાઈવેને જોડતો મચ્છુ નદીનો પુલ સાંકડો છે અને નદીમાં છોડવામાં આવતું પાણી દરીયામા સમાય જાય છે. પરંતુ હમણાં છેલ્લા વર્ષોમાં મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉધોગકારોએ પોતાના અંગત સ્વાર્થ ખાતર સરકારના નિયમને નેવે મૂકી મસમોટા માટીના પારા ખડકી દેવામાં આવતા મચ્છુ નદીના પાણી દરીયામા સમાવવાની જગ્યાએ પાણીનો સ્ટોક જમા થઈ જતો હોય છે અને આ નદીનું છોડવામાં આવેલ પાણી દરીયામા સમાવવાની જગ્યાએ માળિયા શહેરમાં દર વર્ષે પુરની પરિસ્થિતિને નિર્માણ કરે છે. જેનો સીધો ખામયાજો શહેરમાં વસતા લોકોને દર વર્ષે ભોગવવાનો વારો આવે છે. લાખો-કરોડોનું જાનમાલનું નુકસાન ભોગવવું પડે છે. અનેક વખત સરકારમાં રજુઆત કરવા છતાં આ પ્રશ્ન હલ ન થતો હોવાની માળિયા મીયાણા શહેરવાસીઓએ હૈયા વરાળ ઠાલવી હતી.