મુંબઈ - મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધતા ગુજરાત સરકારનો નિર્ણય મોરબી : મહારાષ્ટ્રથી મોરબી સહીત ગુજરાતમાં આવતા નાગરિકો માટે ગઈકાલથી ગુજરાત સરકારે નવી ગાઇડલાઇન અમલી બનાવી છે. અને ગુજરાતની હદમાં પ્રવેશતા પૂર્વે 72 કલાકમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય તેવા નાગરિકોને જ ગુજરાતમાં પ્રવેશવા દેવાશે સાથો-સાથ તમામ મુસાફરોનું સ્ક્રીનિંગ ફરજીયાત કરવામાં આવ્યું છે. ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે વેપાર વાણિજ્ય વિશેષરૂપે થતું હોય દૈનિક હજારોની સંખ્યામાં નાગરિકોની અવર-જવર થાય છે. ત્યારે હાલમાં મહારાષ્ટ્રમાં કોરોના સંક્ર્મણ વધી જવાની સાથે ગુજરાતમાં પણ કોરોના કેસ વધ્યા છે અને ખાસ કરીને પોઝિટિવ આવતા કેસોની ટ્રાવેલ હિસ્ટ્રી જોતા મોટાભાગના કેસની ટ્રાવેલ હિસ્ટ્રી મહારાષ્ટ્રની જોવા મળતા ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન અમલી બનાવવામાં આવી છે. જે અન્વયે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા તમામ મુસાફરો માટે નેગેટિવ કોરોના રિપોર્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના સત્તાવાર પરિપત્ર મુજબ મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા તમામ મુસાફરોનું ફરજીયાત સ્ક્રીનિંગ કરવામાં આવશે. તેમજ ગુજરાતમાં પ્રવેશ પૂર્વે 72 કલાકે કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાના પુરાવા સાથે રાખવા પડશે. જેથી મોરબી ગુજરાતથી મહારાષ્ટ્રમાં ગયેલા તમામ નાગરિકોએ સરકારની નવી ગાઇડલાઇન મુજબ રિપોર્ટ સાથે રાખવા પડશે.