મોરબી : ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય /વિભાજન /મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ 2025નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. મોરબી જિલ્લામાં મતદાન તા.22-6-2025ના રોજ યોજાનાર છે.ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોરબી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં મતદારો નિર્ભયપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તેમ જ મતદાનની કાર્યવાહી દરમિયાન અસામાજિક કે તોફાની તત્વો કોઈ ખલેલ પહોંચાડે નહીં તેમજ ગેરકાયદેસરની પ્રવૃત્તિ આચરે નહીં તે માટે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી, IAS દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ જાહેરનામા અનુસાર ગ્રામ પંચાયતોની સામાન્ય /વિભાજન /મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ 2025માં મોરબી માં ચૂંટણી હેઠળના વિસ્તારમાં તા. 22-6-2025ના રોજ રોજ ચૂંટણી માટેના મતદાન મથકો તેમજ તેની આસપાસના 100 મીટરના વિસ્તારમાં કોઈ પણ અનઅધિકૃત વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં કે મતદાન મથકમાં પ્રવેશી શકશે નહીં કે વાહનો લઈ જઈ શકશે નહીં કે લાવશે નહીં.આ હુકમમાંથી ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારીઓ/કર્મચારીઓ, મતદાન કરવા આવનાર મતદારો, ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો, ચૂંટણીના હરીફ ઉમેદવારના ચૂંટણી એજન્ટ કે તેના અધિકૃત મતદાન એજન્ટ, લગ્નના વરઘોડા, સ્મશાનયાત્રા અને મતદાન મથક નજીક ધંધો કે રહેણાંક ધરાવતા પ્રજાજનોને તેમના મકાન ધંધાના સ્થળે આવવા જવા અને ફરજ પરના પોલીસ, એસઆરપી, હોમગાર્ડ પેરામિલિટરી ફોર્સના અધિકારી તથા જવાનોને મુક્તિ આપવામાં આવે છે.